વર્તમાન સમયમાં મધ્ય પૂર્વ (Middle East) દેશોમાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવના કારણે વૈશ્વિક સ્તરે ઇંધણની માંગ અને પુરવઠા (Supply Chain) પર નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. ભારતના પણ ઘણા ભાગોમાં ઇંધણની અછત થશે તેવા ડરથી લોકો ગભરાટમાં આવીને વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. આ પ્રકારની 'પેનિક બાયિંગ' (Panic Buying) અને સંગ્રહખોરીને રોકવા માટે તેલ કંપનીઓ અને સ્થાનિક વહીવટીતંત્રે પેટ્રોલ પંપ પર દેખરેખ અને નિયમો કડક બનાવ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પેટ્રોલ પંપ સંચાલકોને મોટા જથ્થામાં થતા વેચાણનો રેકોર્ડ રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે ગ્રાહકો માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે શું પેટ્રોલ પંપ સંચાલકો કાયદેસર રીતે ઇંધણના વેચાણ પર મર્યાદા લાદી શકે છે?

કટોકટીના સમયે મર્યાદા લાદવાનો કાયદાકીય અધિકાર

કાયદાકીય અને નિયમનકારી જોગવાઈઓ અનુસાર, પેટ્રોલ પંપ સંચાલકો અને સરકારી ઓઈલ કંપનીઓને કોઈપણ અસાધારણ પરિસ્થિતિ અથવા કટોકટીના સમયે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર કામચલાઉ મર્યાદા લાદવાની સંપૂર્ણ મંજૂરી છે. જ્યારે યુદ્ધ, શિપિંગના રસ્તાઓમાં વિક્ષેપ અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં સમસ્યા ઊભી થાય છે, ત્યારે સ્થાનિક સ્તરે અછત ન સર્જાય તે માટે ઓઇલ કંપનીઓ રેશનિંગની પદ્ધતિ અપનાવી શકે છે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં સમાન વિતરણ જાળવી રાખવાનો અને કાળાબજારી રોકવાનો છે.

રૂ. 5000 થી વધુના પેટ્રોલ પર રાખવી પડશે નજર

કેટલાક રાજ્યો દ્વારા જારી કરાયેલા તાજેતરના નિર્દેશો મુજબ, જો કોઈ ગ્રાહક નક્કી કરેલી મર્યાદાથી વધુ રકમનું ઇંધણ ખરીદે છે, તો પંપ ઓપરેટરે તેની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવી પડશે. ઉદાહરણ તરીકે, મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં જો કોઈ ગ્રાહક ₹5000 થી વધુ કિંમતનું પેટ્રોલ અથવા ₹10,000 થી વધુ કિંમતનું ડીઝલ એકસાથે ખરીદે છે, તો પંપ સંચાલકે ખરીદનારની ઓળખ (Identity) અને તે કયા હેતુ માટે આટલું બળતણ ખરીદી રહ્યો છે તેનો લેખિત રેકોર્ડ રાખવો ફરજિયાત બની શકે છે. ઘણી વખત સ્થાનિક ડીલર્સ એસોસિએશનો પણ અછતના સમયે ગાડીઓની ફૂલ ટેન્ક રિફિલ કરવા પર કામચલાઉ પ્રતિબંધની એડવાઇઝરી જારી કરે છે.

બોટલ કે ખુલ્લા કન્ટેનરમાં ઇંધણ આપવા પર પ્રતિબંધ

અકસ્માત અને આગના જોખમો જેવી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને, ભારતના મોટાભાગના રાજ્યોમાં ખુલ્લા કન્ટેનર, પ્લાસ્ટિકની બોટલો કે કેનમાં પેટ્રોલ-ડીઝલ આપવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, 'પેટ્રોલિયમ અધિનિયમ 1934 ' (Petroleum Act 1934) હેઠળ, કોઈપણ યોગ્ય પરવાનગી, લાયસન્સ કે લાયકાત વિના ઘરોમાં કે અન્ય અસુરક્ષિત જગ્યાએ મોટી માત્રામાં પેટ્રોલ અથવા ડીઝલનો સંગ્રહ કરવો એ દંડનીય ગુનો છે. વહીવટીતંત્ર નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને જરૂરિયાત પૂરતું જ ઇંધણ ખરીદે.

આ પણ વાંચોઃ લો બોલો AIની નોકરી તો ગઇ! હવે એઆઇને બદલે માણસો પર આધારિત આ કંપની