આ વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ભારતમાં સોનાની માંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના તાજેતરના અહેવાલ મુજબ, વોલ્યુમ પ્રમાણે સોનાની કુલ માંગ 16 ટકા ઘટીને 209.4 ટન થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 248.3 ટન હતી. આ ઘટાડો મુખ્યત્વે સોનાના ઊંચા ભાવને કારણે ગ્રાહકોની ખરીદીમાં ઘટાડો થવાને કારણે થયો છે. જોકે, મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો માગ રૂ. 1,65,380 કરોડથી વધીને રૂ. 2,03,240 કરોડ થઈ છે, જે ૨૩ ટકાનો વધારો દર્શાવે છે. આનો સીધો અર્થ એ થયો કે લોકોએ ઓછી માત્રામાં સોનું ખરીદ્યું હોવા છતાં, ઊંચા ભાવને કારણે કુલ ખર્ચમાં વધારો થયો.


કેમ ઘટી સોનાની માગ?

સોનાના દાગીનાની માગમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જે ગયા વર્ષે 171.6 ટનથી ઘટીને આ ક્વાર્ટરમાં માત્ર 117.7 ટન થઈ ગયો, જે લગભગ 31 ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે દાગીનાની ખરીદીનું કુલ મુલ્ય લગભગ 1,14,270 કરોડ રૂપિયા પર સ્થિર રહ્યું છે, કેમ કે ખરીદદારોએ વધેલી કિંમતો અનુસાર તેમના બજેને સેટ કર્યું છે..

બીજી તરફ, રોકાણ તરીકે સોનાની માગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો, વોલ્યુમ 20 ટકા વધીને 91.6 ટન થયું, જ્યારે મૂલ્ય 74 ટકા વધીને ₹51,080 કરોડથી ₹88,970 કરોડ થઈ ગયું. WGCના ઇન્ડિયા રિજનલ સીઈઓ સચિન જૈનના જણાવ્યા અનુસાર, આ આંકડા ભારતીય ગ્રાહકોમાં લાંબા ગાળાની સંપત્તિ અને સલામત રોકાણ તરીકે સોનાને અપનાવવાના વધતા વલણને દર્શાવે છે.

સતત વધતી સોનાની ચમક

આ ક્વાર્ટરમાં ભારતમાં સોનાનો સરેરાશ ભાવ 46 ટકા વધીને રૂ. 97,094.9 પ્રતિ ૧૦ ગ્રામ થયો છે, જે એક વર્ષ પહેલા રૂ. 66,614.1 પ્રતિ ૧૦ ગ્રામ હતો (જેમાં આયાત ડ્યુટી અને જીએસટી સામેલ નથી). આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનાના ભાવ વધ્યા અને સરેરાશ $3,456.5 પ્રતિ ઔંસ થઈ ગયા, જે ગયા વર્ષની સરખામણીમાં ઘણા વધારે છે.

સચિન જૈને એમ પણ કહ્યું કે વોલ્યુમમાં ઘટાડો હોવા છતાં ભાવમાં 23 ટકાનો ઐતિહાસિક વધારો ભારતીય ગ્રાહકોની બદલાતી આર્થિક સ્થિતિ અને માથાદીઠ આવકમાં વધારો દર્શાવે છે. તેમણે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં ભાવમાં વધારો થવાને કારણે, ઘણા ગ્રાહકોએ લગ્ન સંબંધિત ખરીદી કરી લીધી છે, જેના કારણે આગામી ચોથા ક્વાર્ટરમાં મજબૂત વેચાણની અપેક્ષા છે.


  • Follow us on: