જો તમે પગારદાર કર્મચારી (Salaried Employee) છો અને આવકવેરો (Income Tax) ભરો છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા નવા આવકવેરા નિયમો નોટિફાઈ કરવામાં આવ્યા છે. 1 એપ્રિલથી દેશભરમાં આ નવા કાયદાઓ લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં મુખ્યત્વે 7 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
આ નવા નિયમો હેઠળ કર્મચારીઓને મળતા વિવિધ ભથ્થાં (Allowances) અને કરમુક્તિ (Tax Exemptions) ની ગણતરી બદલાઈ જશે. ચાલો વિગતે જાણીએ આ 7 ફેરફારો વિશે:
1. HRA (મકાન ભાડા ભથ્થું) માં ફેરફાર
જૂની ટેક્સ સિસ્ટમ મુજબ, જો કર્મચારી મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, અમદાવાદ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં રહેતો હોય, તો તે પોતાના બેઝિક પગારના 50% સુધી HRA ક્લેમ કરી શકે છે. અન્ય શહેરો માટે આ મર્યાદા 40% રહેશે. જોકે, એ નોંધવું ખાસ જરૂરી છે કે નવી ટેક્સ રિજીમ (New Tax Regime) પસંદ કરનારાઓ માટે HRA ની કોઈ જ છૂટ ઉપલબ્ધ રહેશે નહીં.
2. બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ભથ્થામાં વધારો
આ નવા નોટિફિકેશનથી વાલીઓને મોટી રાહત મળી છે. બાળકોનું એજ્યુકેશન એલાઉન્સ (શિક્ષણ ભથ્થું) જે પહેલા માત્ર 100 રૂપિયા હતું, તે વધારીને 3000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, હોસ્ટેલ ખર્ચનું ભથ્થું 300 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા પ્રતિ માસ કરાયું છે. આ લાભ વધુમાં વધુ બે બાળકો માટે મેળવી શકાશે.
3. કારના ઉપયોગ પર ટેક્સ
કંપની તરફથી આપવામાં આવતી કાર માટેના નિયમો અપડેટ કરાયા છે. 1.6 લિટરથી ઓછી કે વધુ એન્જિન ક્ષમતા ધરાવતી કાર અને ડ્રાઇવરના ઉપયોગ બદલ હવે ટેક્સની ગણતરી બદલાશે. આ માટે માસિક ₹3,000 થી ₹7,000 સુધીની અલગ-અલગ છૂટછાટના નિયમો નક્કી કરાયા છે.
4. ઘરેલું સેવાઓ પર ટેક્સ
જો કંપની તરફથી કર્મચારીને સફાઈકામદાર, માળી કે ચોકીદાર જેવી સેવાઓ આપવામાં આવે છે અને તેમનો પગાર કંપની ચૂકવે છે, તો તે રકમ હવે કર્મચારીની આવકમાં ગણાશે અને તેના પર ટેક્સ લાગશે. આ ઉપરાંત, કંપની દ્વારા ચૂકવાતા ગેસ, વીજળી કે પાણીના બીલની રકમ પણ ટેક્સેબલ રહેશે.
5. ગિફ્ટ અને વાઉચર પર નજર
જો કોઈ નાણાકીય વર્ષમાં કંપની તરફથી મળેલ ગિફ્ટ અથવા વાઉચરનું કુલ મૂલ્ય 15,000 રૂપિયાથી વધી જાય છે, તો તે વધારાની રકમને તમારી કરપાત્ર આવક (taxable income) ગણી લેવામાં આવશે.
6. ભોજન (Food) અને વાઉચરની મર્યાદા
ઓફિસના કામકાજના સમય દરમિયાન અપાતું મફત ભોજન કે પીણાં જો કેશ વાઉચર સ્વરૂપે હોય, તો તે ટેક્સ ફ્રી રહેશે. પરંતુ આ વાઉચરની મહત્તમ મર્યાદા 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
7. ટેક્સ છૂટ માટે જરૂરી પુરાવા
જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ કપાત (Deductions) નો દાવો કરવા માટે હવે દસ્તાવેજી પુરાવા કડક બનાવવામાં આવ્યા છે. જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો, તો HRA ક્લેમ કરવા માટે મકાનમાલિકનું નામ, સરનામું અને પાન કાર્ડ (PAN) નંબર ફરજિયાત આપવો પડશે. LTC/LTA માટે પ્રવાસના વાસ્તવિક ખર્ચનો પુરાવો અને હોમ લોનના વ્યાજની છૂટ માટે લોન આપનાર સંસ્થાનું નામ, સરનામું અને PAN ફરજિયાત રહેશે.
આ તમામ નિયમો 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યા છે, તેથી આગામી નાણાકીય વર્ષનું પ્લાનિંગ આ નવા નિયમોને ધ્યાનમાં રાખીને કરવું હિતાવહ છે.