ભારતમાં લોકોને ઘણીવાર તેમના પરિવાર તરફથી વારસામાં મોટી સંપત્તિ, ઘરેણાં, શેર કે આર્ટવર્ક મળતા હોય છે. પરંતુ સંપત્તિ મળવાની ખુશીની સાથે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ વારસામાં મળેલી મિલકત પર તરત જ ટેક્સ ચૂકવવો પડે છે? આવો જાણીએ આ વિશે આવકવેરા (Income Tax) વિભાગનો નિયમ શું કહે છે.
વારસામાં મળેલી મિલકત પર ટેક્સ ક્યારે લાગે?
ભારતમાં નિયમ બિલકુલ સ્પષ્ટ છે કે વારસામાં મિલકત મળવાના સમયે તેના પર કોઈ જ ઇન્કમ ટેક્સ લાગતો નથી. પરંતુ, ભવિષ્યમાં જ્યારે તમે તે સંપત્તિ (જેમ કે સોનું, શેર કે જમીન) વેચો છો અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં તેની માહિતી દર્શાવવાની હોય છે, ત્યારે ટેક્સના નિયમો લાગુ પડે છે.
વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી
ટેક્સ નિષ્ણાતોના મતે, મિલકત વેચવા પર 'કેપિટલ ગેઇન ટેક્સ' (Capital Gains Tax) ચૂકવવો પડે છે. સૌથી અગત્યની વાત એ છે કે, જે વ્યક્તિને મિલકત મળે છે, તેના માટે ખરીદ કિંમત અને હોલ્ડિંગ પિરિયડ (મિલકત કેટલા સમયથી છે) જૂના માલિકના આધારે ગણવામાં આવે છે. તેના પરથી જ નક્કી થાય છે કે નફો લોંગ-ટર્મ છે કે શોર્ટ-ટર્મ.
કેટલો ટેક્સ ચૂકવવો પડે છે?
લોંગ ટર્મ ગેઇન: આના પર સામાન્ય રીતે 12.5% ટેક્સ લાગે છે.
શોર્ટ ટર્મ ગેઇન: આમાં તમારી આવકના સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડે છે.
ટેક્સમાં છૂટ: જો તમે લોંગ ટર્મ ગેઇનથી મળેલી રકમને 10 કરોડ રૂપિયા સુધી નવું ઘર ખરીદવામાં અથવા 50 લાખ રૂપિયા સુધીના સરકારી બોન્ડમાં રોકાણ કરો છો, તો ટેક્સમાં છૂટ મળી શકે છે.
ક્રિપ્ટોકરન્સી (VDA): જો ક્રિપ્ટોકરન્સી વારસામાં મળી હોય, તો તેને વેચવા પર સીધો 30% ટેક્સ લાગે છે અને તેમાં કોઈ છૂટ મળતી નથી.
ITRમાં ખુલાસો અને અન્ય નિયમો
જો તમારી કુલ સંપત્તિ 50 લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે ITR માં તેની જાણ કરવી ફરજિયાત છે. જો વારસામાં મળેલી મિલકત વિદેશમાં હોય, તો તેની અલગથી જાણ કરવી પડે છે, અન્યથા મોટો દંડ થઈ શકે છે. સોના અને આર્ટવર્ક માટે યોગ્ય વેલ્યુએશન હોવું જરૂરી છે. શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં જો નોમિની નોંધાયેલ હોય તો ટ્રાન્સફર પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે.
વિદેશમાં સંપત્તિ હોય તો શું?
જો સંપત્તિ વિદેશમાં હોય તો તે દેશના ટેક્સ નિયમો પણ લાગુ પડી શકે છે. દાખલા તરીકે, અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં 'ઇન્હેરિટન્સ ટેક્સ' લાગે છે. આ ઉપરાંત ભારતમાં FEMA ના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે તમામ મિલકતોની યાદી બનાવો, યોગ્ય વસિયત (Will) તૈયાર કરો અને ડિજિટલ મિલકતોના પાસવર્ડ સુરક્ષિત રાખો.
ટૂંકમાં કહીએ તો, વારસામાં સંપત્તિ મળતા જ ભલે ટેક્સ નથી લાગતો, પણ ભવિષ્યની ટેક્સ જવાબદારીઓ ટાળવા માટે સાચી માહિતી અને યોગ્ય પ્લાનિંગ અત્યંત જરૂરી છે.