બદલાતા સમય સાથે લોકો તેમના ભવિષ્ય પ્રત્યે વધુ સભાન બન્યા છે. આજે, લગભગ દરેક વ્યક્તિ લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ સમજે છે. લાઈફ ઈન્સ્યોરન્સ તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરે છે, જ્યારે હેલ્થ ઈન્સ્યોરન્સ તમારી બીમારીમાં ખર્ચાતા પૈસા બચાવવામાં મદદ કરે છે. ઈન્સ્યોરન્સની સાથે સાથે ક્લેમ સંબંધિત માહિતી પણ પોલિસીધારક પાસે હોવી ખુબ જ જરૂરી છે. ઘણી વાર ઈન્સ્યોરન્સ કંપનીઓ સામાન્ય કારણો આપી તમારા ક્લેમને રિજેક્ટ કરી દે છે અથવા તો પૂરતો ક્લેમ આપતા નથી. આવી ફરિયાદોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ત્યારે દરેક પોલિસીધારકને ખબર હોવી જોઈએ કે આવી સ્થિતિમાં ફરિયાદ ક્યાં નોંધાવવી, જેથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય. અને તમને તમારા હકના પૈસા મળે.


બીમા ભરોસા પોર્ટલ પર કરો ફરિયાદ

જો કોઈ ઈન્સ્યોરન્સ કંપની તમારા ક્લેમને રિજેક્ટ કરે છે અથવા રિફંડ આપવાનો ઇનકાર કરે, અથવા દાવાની રકમનો અડધો ભાગ નામંજૂર કરે છે, તો તમે બીમા ભરોસા પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો, જે ખાસ કરીને વીમા સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે બનાવાયેલું છે. વીમા ભરોસા પોર્ટલ એ ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એટલે કે IRDAI દ્વારા વિકસાવવામાં આવેલી એક નવી સિસ્ટમ છે. આ પોર્ટલ તમારી ફરિયાદ સીધી સંબંધિત વીમા કંપનીને મોકલે છે.

કેવી રીતે કરવી ફરિયાદ?

જો તમને કોઈ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ હોય, તો પહેલા કંપનીની ગ્રિવેન્સ ટીમને ફરિયાદ કરો. જો તમને ત્યાં કોઈ ઉકેલ ન મળે, તો તમે બીમા ભરોસા પોર્ટલ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ કરવા માટે, પોર્ટલની વેબસાઇટની મુલાકાત લો. રજિસ્ટર ક્મ્પલેઈન વિકલ્પ પર ક્લિક કરો. તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ આપી પ્રોફાઇલ બનાવો અને લોગિન કરો. ત્યારબાદ વીમા કંપનીનું નામ, વીમા પૉલિસી નંબર અને ક્લેમની વિગતો દાખલ કરો. જો જરૂરી હોય તો સંબંધિત ડૉક્યુમેન્ટ્સ પણ અપલોડ કરો. ફરિયાદ દાખલ થયા પછી, તમને એક ટોકન નંબર મળશે, જેનો ઉપયોગ તમે તમારી ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે કરી શકો છો. જો તમને બીમા ભરોસા પોલિસીમાંથી કોઈ ઉકેલ ન મળે, તો તમે તેના વિશે વીમા ઓમ્બડ્સમેનને ફરિયાદ કરી શકો છો.


  • Follow us on: