સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ કરદાતાઓને મોટી રાહત આપતા આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખને 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરી દીધી છે. જો તમે સમય પહેલા ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ઈચ્છો છો તો કેટલાક જરૂરી દસ્તાવેજો તમારી પાસે હોવા જોઈએ. આ દસ્તાવેજો સિવાય તમને ITR ફાઈલ કરવામાં મુશ્કેલી આવી શકે છે.
ફોર્મ-16 હોવું જરૂરી
ITR ફાઈલ કરવા માટે સૌથી જરૂરી દસ્તાવેજ ફોર્મ-16 છે. જે તમને તમારી કંપની કે ઓફિસમાંથી મળે છે. તેમાં તમારી કૂલ સેલરી, કાપવામાં આવેલો TDS અને ટેક્સ સંબંધિત અન્ય જાણકારી હોય છે. તે સુનિશ્ચિત કરે છે કે તમે ટેક્સ પોર્ટલ પર ભરેલી વિગતો સાચી છે કે નહીં.
ફોર્મ 16A, 16B, 16C અને 16D
ફોર્મ 16A ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજ અથવા ઈન્શ્યોરન્સ કમિશનથી થતી આવક પર લાગુ થાય છે. જો તમે 50 લાખ રૂપિયાથી વધારેની સ્થાવર મિલકત ખરીદો છો તો ખરીદનારને વિક્રેતા માટે TDS કાપવાનો હોય છે, ત્યારબાદ ફોર્મ 16B જાહેર થાય છે. આ પ્રકારે જો માસિક ભાડું 50,000 રૂપિયાથી વધારે આવે છે તો ભાડુઆત મકાન માલિકને ફોર્મ 16C આપે છે, જેમાં TDSની જાણકારી હોય છે. આ ફોર્મ અલગ અલગ સ્ત્રોત દ્વારા થયેલી આવકને ટ્રેક કરવા અને યોગ્ય રીતે ITR ફાઈલ કરવામાં મદદ કરે છે.
કેપિટલ ગેઈન સ્ટેટમેન્ટ, બેન્ક સ્ટેટમેન્ટ અને વ્યાજ પ્રમાણપત્ર
જો તમે શેયર, મ્યુચ્યુઅલ ફંડ કે મિલકત વેચી છે તો કેપિટલ ગેઈનની જાણકારી આપવી જરૂરી છે. તમારા બ્રોકર કે ફંડ હાઉસ પાસેથી કેપિટલ ગેઈન સ્ટેટમેન્ટ જરૂર લઈ લો. આ સિવાય બેન્ક કે પોસ્ટ ઓફિસની સ્કીમ દ્વારા મળતા વ્યાજનું પ્રમાણપત્ર જરૂરી છે, કારણ કે આ આવકને ITRમાં બતાવવી જરૂરી હોય છે. આ AIS કે ફોર્મ 26ASમાં ચૂકી ગયેલી માહિતીને પકડવામાં પણ મદદ કરે છે.
AIS, TIS અને ફોર્મ 26AS
આ દસ્તાવેજ તમારા ટેક્સ રેકોર્ડનો આધાર છે, ફોર્મ 26ASમાં TDS અને TCSની વિગત હોય છે. AISમાં બેન્ક વ્યાજ, એફડી અને શેર સંબંધિત વિગતો સામેલ હોય છે, જ્યારે TISમાં AISની જાણકારીનો સારાંશ હોય છે. આ તમામ દસ્તાવેજ ઈન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે.
વિદેશી આવક અથવા અનલિસ્ટેડ શેર
જો તમારી પાસે વિદેશી કંપનીના શેર કે વિદેશમાં બેન્ક એકાઉન્ટ છે તો તેની જાણકારી આપવી જરૂરી છે. ભલે તમારી કૂલ આવક આપવામાં આવેલી છુટની મર્યાદાથી ઓછી હોય, ભારતીય કંપનીઓના અનલિસ્ટેડ શેર માટે પણ કંપનીનું નામ અને શેરની સંખ્યાની પુરી વિગત આપવી પડશે.