નાણાકીય વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ને લઈને મહત્વના સમાચાર છે. જો તમે અજાણતા ITR માં કોઈ આવક છુપાવી છે અથવા ખોટી વિગતો ભરી દીધી છે, તો આવકવેરા વિભાગ તમને 'ITR-U' એટલે કે Updated Income Tax Return દ્વારા આ ભૂલ સુધારવાની તક આપે છે. 31 માર્ચની સમયમર્યાદા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ છે, કારણ કે વિલંબ કરવાથી વધારાના ટેક્સ અને વ્યાજનો બોજ વધી શકે છે.

ITR-U શું છે?

ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 139(8A) હેઠળ ITR-U ની જોગવાઈ કરવામાં આવી છે. આ એક એવું રિટર્ન છે જે તમે ત્યારે ફાઇલ કરી શકો છો જ્યારે તમે ઓરિજિનલ, બિલેટેડ (મોડું) અથવા રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની તમામ તકો ગુમાવી દીધી હોય. તે કરદાતાઓને સ્વેચ્છાએ તેમની આવક જાહેર કરવા અને કાયદેસરની કાર્યવાહીથી બચવાની તક આપે છે.

બજેટ 2026 માં શું બદલાયું?

ફેબ્રુઆરી 2026 ના બજેટમાં સરકારે ITR-U ના નિયમોમાં બે મોટા અને રાહત આપનારા ફેરફારો કર્યા છે:

નોટિસ પછી પણ ફાઇલિંગ: અગાઉ, જો ટેક્સ વિભાગ તપાસ શરૂ કરે તો ITR-U ફાઇલ કરી શકાતું નહોતું. હવે, રી-અસેસમેન્ટની નોટિસ આવ્યા પછી પણ તમે 10% વધારાનો ટેક્સ ભરીને ભૂલ સુધારી શકો છો.

લોસ એડજસ્ટમેન્ટ: 1 માર્ચ 2026 થી અમલી બનેલા નિયમ મુજબ, હવે કરદાતાઓ ITR-U માં પોતાના નુકસાન (Loss) ને પણ એડજસ્ટ કરી શકશે, જે પહેલા પ્રતિબંધિત હતું. આનાથી કરદાતાઓનો વિવાદ ઓછો થશે.

કેટલો વધારાનો ટેક્સ ભરવો પડશે?

ITR-U મફતમાં ફાઇલ કરી શકાતું નથી. તેમાં તમારે 'એડિશનલ ટેક્સ' ભરવો પડે છે:

જો તમે અસેસમેન્ટ યર પૂરું થયાના 12 મહિનાની અંદર ફાઇલ કરો છો, તો કુલ ટેક્સ અને વ્યાજના 25% વધારાનો ટેક્સ ભરવો પડશે.

જો તમે 12 થી 24 મહિનાની વચ્ચે ફાઇલ કરો છો, તો આ દંડ વધીને 50% થઈ જાય છે.

બજેટ 2026 મુજબ, રી-અસેસમેન્ટના કિસ્સામાં આ પેનલ્ટીમાં વધુ 10% નો ઉમેરો થઈ શકે છે.

કોણ ફાઇલ કરી શકે અને કોણ નહીં?

તમે ITR-U ભરી શકો છો જો:

તમે રિટર્ન ફાઇલ કરવાનું જ ભૂલી ગયા હોવ.

તમે આવક ઓછી બતાવી હોય અથવા ખોટા હેડ હેઠળ બતાવી હોય.

ખોટા ટેક્સ રેટનો ઉપયોગ કર્યો હોય.

પરંતુ, યાદ રાખો કે ITR-U નો ઉપયોગ રિફંડ મેળવવા, રિફંડ વધારવા અથવા ટેક્સ જવાબદારી ઘટાડવા માટે કરી શકાતો નથી. તેમજ, જો તમારા ઘરે સર્ચ કે સર્વે (દરોડા) ચાલતા હોય, તો તમે આ રિટર્ન ભરી શકતા નથી.

ITR-U એ પ્રમાણિક કરદાતાઓ માટે તેમની ભૂલ સુધારવાનો છેલ્લો રસ્તો છે. જોકે તેની ડેડલાઇન 4 વર્ષ સુધીની હોય છે, પરંતુ વ્યાજ અને વધારાના ટેક્સથી બચવા માટે જેટલું વહેલું ફાઇલ કરવામાં આવે તેટલું સારું છે. આનાથી તમે ભવિષ્યમાં આવતી ઇન્કમ ટેક્સની નોટિસ અને કાયદેસરની ગૂંચવણોથી બચી શકશો.