દેશમાં નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી 'પ્રધાનમંત્રી મુદ્રા યોજના' (PMMY) આજકાલ સાયબર ઠગોનું હથિયાર બની રહી છે. સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ દ્વારા મુદ્રા લોન અપાવવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

કેવી રીતે થાય છે છેતરપિંડી?

ઠગ લોકો સરકારી વિભાગના નામે નકલી લેટરહેડ તૈયાર કરે છે. ગ્રાહકોને એવા મેસેજ મોકલવામાં આવે છે કે તમારી 7 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન મંજૂર થઈ ગઈ છે. આ લોન તમારા ખાતામાં જમા કરવા માટે તમારે 'એગ્રીમેન્ટ ચાર્જ' અથવા 'પ્રોસેસિંગ ફી' તરીકે 800 થી 2000 રૂપિયા સુધીની નાની રકમ જમા કરાવવી પડશે. લોકો આ નાની રકમ જોઈને વિશ્વાસ કરી લે છે, પરંતુ એકવાર પૈસા આપ્યા પછી ઠગ ગાયબ થઈ જાય છે.

PIB ફેક્ટ ચેકની ચેતવણી

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ સ્પષ્ટતા કરી છે કે સરકાર આવી કોઈ એડવાન્સ ફી માંગતી નથી. તાજેતરમાં જ એક ફેક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં 860 રૂપિયાની ફી માંગીને 7 લાખ રૂપિયાની લોન આપવાનો દાવો કરાયો હતો. આ પત્ર સંપૂર્ણપણે બનાવટી છે.

https://x.com/PIBFactCheck/status/2029100786161205456

યાદ રાખવા જેવી બાબતો:

MUDRA સીધી લોન નથી આપતું: MUDRA એક રિફાઇનાન્સ એજન્સી છે. તે બેંકો, NBFC અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને ભંડોળ પૂરું પાડે છે. લોન લેવા માટે તમારે સીધો બેંકનો સંપર્ક કરવો પડે છે.

એડવાન્સ ફી: કોઈપણ સરકારી યોજના હેઠળ લોન લોન આપતા પહેલા ક્યારેય પૈસા માંગવામાં આવતા નથી.

સત્તાવાર વેબસાઈટ: હંમેશા લોન માટે અધિકૃત બેંક શાખા અથવા mudra.org.in પરથી જ માહિતી મેળવો.

જો છેતરપિંડી થાય તો શું કરવું?

જો તમે આવી કોઈ ઠગાઈનો શિકાર બન્યા હોવ, તો તરત જ તમારા બેંક ખાતાને ફ્રીઝ કરાવો. ત્યારબાદ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો.

શું છે PM Mudra Yojana?

PM Mudra Yojana હેઠળ નાના વ્યવસાયોને ચાર કેટેગરીમાં લોન આપવામાં આવે છે.

મુદ્રા લોનની કેટેગરી:

શિશુ: 50,000 રૂપિયા સુધીની લોન

કિશોર: રૂ.50,000થી રૂ.5 લાખ સુધીની લોન

તરુણ: રૂ.5 લાખથી રૂ.10 લાખ સુધીની લોન

તરુણ પ્લસ: રૂ.10 લાખથી રૂ.20 લાખ સુધીની લોન

છેતરપિંડીના આ બનાવો વચ્ચે ગ્રાહકોએ જાગૃત રહેવાની જરૂર છે કે લોન માટે ક્યારેય અજાણ્યા વ્યક્તિ કે વ્હોટ્સએપ પર મળેલી લિંક પર વિશ્વાસ ન કરવો જોઈએ. તમારી સાથે પણ આવી કોઈ ઠગાઈ ના થાય તેના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે જેમ કે જો કોઈ લોન માટે એડવાન્સ ફી માંગે, ગેરંટી વગર લોનનો દાવો કરે, માત્ર વ્હોટ્સએપથી વાત કરે, જો આવું કંઈ થાય તો તરત જ સાવધ થઈ જાવ.