કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખને વધારીને 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. જો કે કોઈ કારણોસર તમે આ તારીખ સુધીમાં ITR ફાઈલ કરવામાં નિષ્ફળ રહો છો તો ચિંતા કરવાની જરૂર નથી. આ પછી પણ લેટ ફાઈલિંગનો વિકલ્પ હોય છે.
જો તમે ફાઈલિંગની છેલ્લી તારીખ સુધીમાં તમારું ITR ફાઈલ કર્યું નથી તો તે પછી પણ ફાઈલ કરી શકાય છે. આ માટે તમારે કેટલાક સ્ટેપને ફોલો કરવા પડશે.
- આ માટે સૌ પ્રથમ તમારે ઈન્કમ ટેક્સની ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર લોગ ઈન કરવું પડશે.
- તે પછી તમારી આવક અનુસાર ITR-1થી ITR-4 સુધીનું યોગ્ય ફોર્મ પસંદ કરો.
- તમારી આવક, ખર્ચ અને કરની વિગતો ભરો.
- સિસ્ટમ ઓટોમેટિક પોતાની રીતે લેટ ફી ઉમેરી દેશે.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને OTP અથવા DSCથી કન્ફર્મ કરો.
- ત્યારબાદ સબમિટ કરો અને ઓનલાઈન ચુકવણી કરીને જે પણ ટેક્સ અને વ્યાજ બાકી હોય તે ચૂકવી દો.
જો કે તમને જણાવી દઈએ કે સમયસર ITR ફાઈલ કરવું હંમેશા શ્રેષ્ઠ છે, પરંતુ જો તમે કોઈ કારણસર સમયમર્યાદા ચૂકી જાવ છો તો પણ લેટ ફાઈલ કરવાનું બંધ ન કરો. આ ઉપરાંત જો KYC બાકી હોય તો તેને પૂર્ણ કરો અને બધા જ ટેક્સની ચૂકવણીનો રેકોર્ડ રાખો. ભવિષ્ય માટે રિમાઈન્ડર સેટ કરો અથવા ટેક્સ એડવાઈઝરની મદદ લો, જેથી તમારે ફરી ક્યારેય લેટ ફાઈલ કરવાની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
દંડ અને વ્યાજ કેટલું લાગશે?
જો તમે સમયસર ITR ફાઈલ ન કરો અને તમારી પાસે ટેક્સ બાકી હોય તો તમારે કલમ 234A હેઠળ વ્યાજ ચૂકવવું પડશે. આ ઉપરાંત, કલમ 234F મુજબ લેટ ફી વસૂલવામાં આવશે. જો તમારી આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તમારે 5,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. જો આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમારે ફક્ત 1,000 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત ટેક્સની મોડી ચુકવણી પર દર મહિને 1% વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે. તમે જેટલું વહેલી તકે ફાઈલ કરશો, તેટલું ઓછું વ્યાજ અને ફી વસૂલવામાં આવશે.
મોડા ITR ફાઈલ કરવાનો એક મોટો ગેરલાભ એ છે કે તમે વ્યવસાય અથવા મૂડી નુકસાન જેવા કેટલાક નુકસાનને આગામી વર્ષ સુધી આગળ ધપાવી શકશો નહીં. આ લાભ ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ છે જેઓ સમયસર ફાઈલ કરે છે. જો તમે ભવિષ્યમાં તમારી કરપાત્ર આવક ઘટાડવા માગતા હોય તો મોડા ફાઈલ કરવાથી તમે આ તક ગુમાવી શકો છો.
રિફંડ અને ડિસ્કાઉન્ટનો મળશે લાભ?
આ ઉપરાંત તમે લેટ ITR ફાઈલ કરતી વખતે પણ ટેક્સ રિફંડનો ક્લેમ કરી શકો છો પણ ધ્યાનમાં રાખો કે કલમ 87A હેઠળ રૂપિયા 7 લાખ સુધીની આવક પર મુક્તિ જેવા કેટલાક સમય-મર્યાદા લાભો ફક્ત ત્યારે જ ઉપલબ્ધ થશે જો તમે નિયત તારીખ પહેલાં રિટર્ન ફાઈલ કરો છો. હા, લાંબા ગાળાના મૂડી લાભો અને અન્ય કપાતનો દાવો કરી શકાય છે, જો યોગ્ય દસ્તાવેજો સબમિટ કરવામાં આવે.