નોકરી કરતા લોકો અને પેન્શન મેળવતા વૃદ્ધો માટે રાહતના સમાચાર છે. સરકારે સંસદમાં પ્રોવિડન્ટ ફંડ (PF) સાથે જોડાયેલા નવા પ્લેટફોર્મ 'EPFO 3.0' અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ નવા ડિજિટલ અપડેટનો મુખ્ય હેતુ સેવાઓને ઝડપી, સરળ અને પેપરલેસ બનાવવાનો છે. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ લોકસભામાં જણાવ્યું કે આ સિસ્ટમથી કાગળની કાર્યવાહી ઘટશે અને એમ્પ્લોયર (માલિક) પરની નિર્ભરતા ઓછી થશે.

જાણો EPFO 3.0 ના મુખ્ય ફાયદાઓ વિશે:

1. ₹5 લાખ સુધીના ક્લેમનું ઓટો-સેટલમેન્ટ

EPF સભ્યો માટે સૌથી મોટી રાહત એ છે કે એડવાન્સ ક્લેમ ઓટો-સેટલમેન્ટની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમ એટલી ઝડપી છે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં જ લગભગ 3.52 કરોડ ક્લેમ ઓટો મોડમાં પ્રોસેસ થઈ ગયા છે અને ₹51,620 કરોડનું ચુકવણું પણ થઈ ગયું છે. આ માટે કોઈ માનવીય હસ્તક્ષેપની જરૂર પડતી નથી.

2. સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)

1 જાન્યુઆરી, 2025થી સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન સિસ્ટમ તમામ EPFO ઓફિસોમાં લાગુ થઈ ગઈ છે. આ સુવિધાથી દર મહિને પેન્શન મેળવતા 70 લાખથી વધુ લોકોને ફાયદો થયો છે. હવે પેન્શનનું વિતરણ એક જ જગ્યાએથી થાય છે, જેનાથી પેન્શનર્સ દેશની કોઈપણ શેડ્યૂલ્ડ બેંકની બ્રાન્ચમાંથી પોતાનું પેન્શન મેળવી શકે છે.

3. એમ્પ્લોયરની મંજૂરી વિના PF ટ્રાન્સફર

19 જાન્યુઆરી, 2025થી નોકરી બદલ્યા પછી PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું સાવ સરળ બની ગયું છે. જો સભ્યનું KYC પૂરું હશે, તો એકાઉન્ટ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. આ માટે જૂના એમ્પ્લોયરની મંજૂરી લેવાની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 21 લાખથી વધુ ટ્રાન્સફર જૂની કંપનીના હસ્તક્ષેપ વિના પૂરા થઈ ગયા છે.

4. એમ્નેસ્ટી સ્કીમ 2025

કર્મચારીઓની નોંધણી વધારવા માટે શરૂ કરાયેલી 'એમ્પ્લોઈ એનરોલમેન્ટ સ્કીમ 2025' હેઠળ 4,815 સંસ્થાઓએ ભાગ લીધો છે અને 39,000 થી વધુ નવા UAN જનરેટ થયા છે.

5. ન્યૂનતમ પેન્શનમાં કોઈ ફેરફાર નહીં

કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ ન્યૂનતમ પેન્શન વધારવાની લાંબા સમયથી માંગ ચાલી રહી હતી, પરંતુ સરકારે તેમાં હાલ કોઈ ફેરફાર કર્યો નથી. ન્યૂનતમ પેન્શન 1,000 રૂપિયા પ્રતિ માસ યથાવત રાખવામાં આવ્યું છે.

EPFO 3.0 ખરેખર ભારતના નોકરિયાત વર્ગ માટે પારદર્શિતા અને ઝડપ લાવવામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ રહ્યું છે.