જીવનમાં એવો સમય આવે છે જ્યારે લોકોને તાત્કાલિક પૈસાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિઓમાં લોકો પર્સનલ લોનનો આશરો લે છે. જોકે, પર્સનલ લોનના વ્યાજદર ઊંચા હોય છે, માટે જ લોકો પર્સનલ લોન લેતી વખતે ઉપલબ્ધ અલગ અલગ વિકલ્પોના વ્યાજદરોની જાણકારી લેતા હોય છે. તે બાદ પર્સનલ લોનની પસંદગી કરે છે.


જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો વ્યાજ દર ઉપરાંત બીજી કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણા હિડન ચાર્જીસ તમારી પાસેથી વસુલવામાં આવી શકે છે, જેની માહિતી તમને નથી હોતી. જેના કારણે તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી, પર્સનલ લોન લેતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પ્રોસેસિંગ ફીની મેળવો માહિતી

પર્સનલ લોન માટે અરજી કરતી વખતે લોકો ઘણીવાર પ્રોસેસિંગ ફી ધ્યાનમાં લેતા નથી. ઘણી બેંકો અને NBFC લોન મંજૂર કર્યા પછી પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે. આ ફી તમારી લોનની રકમમાંથી કાપી લેવામાં આવે છે, એટલે કે તમને સંપૂર્ણ લોનની રકમ મળતી નથી. ઘણીવાર લોન પર પ્રોસેસિંગ ફી વધારે હોય છે. જેના પરિણામે તમારા ખાતામાં ઓછા પૈસા જમા થાય છે. માટે જ લોન લેતા પહેલા પ્રોસેસિંગ ફીને સ્પષ્ટ રીતે સમજવી મહત્વપૂર્ણ છે.

પ્રી-પેમેન્ટ ફી વિશે પૂછો

જો તમે લોનની સંપૂર્ણ રકમ વહેલા ચૂકવી દો છો, તો શું કોઈ પ્રીપેમેન્ટ ચાર્જ લાગશે? આ સવાલ પર્સનલ લોન લેતા પહેલા તમારે ચોક્કસપણે પૂછવો જોઈએ. ઘણી બેંકો આ પરિસ્થિતિ માટે નોંધપાત્ર ફી વસૂલ કરે છે, તેથી તેના વિશે પહેલાથી સંપૂર્ણ માહિતી મેળવી લેવી હિતાવહ છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય, તો તમે તમારી બેંકને તમારું પ્રીપેમેન્ટ ફી ઘટાડવા અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કહી શકો છો. બેંકો તેમના ગ્રાહકોને આ સુવિધા આપે છે. તેથી, પર્સનલ લોન લેતા પહેલા, પ્રી-પેમેન્ટ વિશે ચોક્કસપણે માહિતી મેળવવી જોઈએ.

શરતોને ધ્યાનથી વાંચો અને સમજો

પર્સનલ લોન લેતી વખતે, બેંક અથવા NBFCના નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો. જો તમને કંઈ સમજાતું નથી, તો સહી કરતા પહેલા તે વિશે સ્પષ્ટતા મેળવો. આ કાળજીથી ભવિષ્યમાં તમને પસ્તાવાનો વારો નહીં આવે.


  • Follow us on: