દરેક મિલકતધારકે વર્ષમાં એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ ચૂકવવો પડે છે, જેને આપણે 'પ્રોપર્ટી ટેક્સ' કે 'ઘરવેરો' કહીએ છીએ. આ ટેક્સ સ્થાનિક તંત્ર માટે આવકનું મુખ્ય સાધન છે, જેનાથી શહેરના રસ્તા, લાઈટ, ગટર અને બગીચા જેવી પાયાની સુવિધાઓ જળવાઈ રહે છે. ત્યારે ઘણા લોકોને નથી ખબર હોતી કે આ પ્રોપર્ટી ટેક્સ કેવી રીતે ગણવામાં આવે છે. તેમાં ક્યા કયા ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવે છે. તો ચાલો તમને સમગ્ર કેલ્ક્યુલેશન સરળ ભાષામાં સમજાવીએ.

કેવી રીતે થાય છે પ્રોપર્ટી ટેક્સનું કેલ્ક્યુલેશન?

સામાન્ય રીતે પ્રોપર્ટી ટેક્સ નક્કી કરવા માટે એક ચોક્કસ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે:

ટેક્સ = (બેઝ વેલ્યુ × બિલ્ટ-અપ એરિયા × એજ ફેક્ટર × બિલ્ડિંગનો પ્રકાર × વપરાશની કેટેગરી) - ઘસારો (Depreciation)

બેઝ વેલ્યુ: વિસ્તાર પ્રમાણે પ્રતિ ચોરસ ફૂટ નક્કી કરેલો ભાવ

બિલ્ટ-અપ એરિયા: ઘરનું કુલ ક્ષેત્રફળ

એજ ફેક્ટર: મિલકત કેટલી જૂની છે. નવી મિલકત પર ટેક્સ વધુ હોય છે

બિલ્ડિંગનો પ્રકાર: રહેણાંક, કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રિયલ

વપરાશ: મિલકત ભાડે આપેલી છે કે તમે પોતે રહો છો

કયા આધારે પ્રોપર્ટી ટેક્સમાં થાય છે વધ-ઘટ?

લોકેશન: શહેરના મુખ્ય કે પોશ વિસ્તારમાં ટેક્સનો દર વધુ હોય છે

કદ: મિલકત જેટલી મોટી, ટેક્સ એટલો વધારે

સુવિધા: ફ્લેટ, ટેનામેન્ટ કે બંગલો - દરેક માટે ટેક્સના સ્લેબ અલગ હોઈ શકે છે

મોડો ટેક્સ ભરવા પર લાગે છે પેનલ્ટી

જો તમે સમયસર વેરો જમા નથી કરાવતા, તો મ્યુનિસિપલ ઓથોરિટી દ્વારા 5% થી 20% સુધીનું વ્યાજ અથવા પેનલ્ટી વસૂલવામાં આવે છે. આ વ્યાજ મૂળ રકમ પર ગણવામાં આવે છે, જે લાંબા ગાળે મોટું ભારણ બની શકે છે.