તમે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી દીધું અને પછી જો તમને ખબર પડે કે તમે કોઈ માહિતી ચૂકી ગયા છો અથવા ખોટી એન્ટ્રી કરી દીધી છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આવકવેરા કાયદો તમને તમારી ભૂલ સુધારવા માટે પૂરતી તક આપે છે. આ કારણોસર, રિવાઈઝ્ડ રિટર્નનો વિકલ્પ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક ટેક્સપેયર્સને તેની જાણ હોવી જોઈએ.
શું છે રિવાઈઝ્ડ ઈનકમ ટેક્સ રિટર્ન?
રિવાઈઝ્ડ રિટર્ન સેક્શન 139(5) હેઠળ તેને ફાઈલ કરવામાં આવે છે. જો, તમારું ITR ફાઇલ કર્યા પછી, તમને ખ્યાલ આવે કે તમે કોઈપણ આવકની જાણ કરવાનું ભૂલી ગયા છો, ખોટો આંકડો દાખલ કર્યો છે, અથવા ખોટું સ્ટેટમેન્ટ દાખલ કર્યું છે, તો તમે તમારા રિટર્નને તે જ એસેસમેન્ટ યરમાં ફરીથી ફાઇલ કરી શકો છો. આ સુવિધા પ્રથમ ફાઇલિંગ દરમિયાન થયેલી ભૂલોને સુધારવા માટે પૂરી પાડવામાં આવી છે.
રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની ડેડલાઈન કઈ છે?
કાયદા મુજબ, રિવાઈઝ્ડ રિટર્ન એસેસમેન્ટ યર પુરુ થતાં પહેલાના ત્રણ મહિના સુધી ફાઇલ કરી શકાય છે. AY 2025-26 માટે, આ સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2025 છે. આનો અર્થ એ છે કે તમે આ તારીખ સુધીમાં ફાઈનાન્સિયલ યર 2023-24 માટે તમારા ITR માં કોઈપણ ભૂલો રહી ગઈ હોય તો સુધારી શકો છો.
એકદમ જુદા છે રિવાઈઝ્ડ અને અપડેટેડ રિટર્ન
ઘણા લોકો મોટાભાગે બંનેને એક જ વસ્તુ સમજવાની ભૂલ કરે છે, પરંતુ વાસ્તવમાં તે એકદમ અલગ છે. રિવાઈઝ્ડ રિટર્ન ફક્ત એક જ એસેસમેન્ટ યરમાં થયેલી ભૂલોને સુધારવા માટે છે, તે પણ કોઈ પેનલ્ટી વગર. બીજી બાજુ, અપડેટેડ રિટર્ન 48 મહિનાની અંદર ફાઇલ કરી શકાય છે, પરંતુ તેમાં વધારાનો ટેક્સ અને પેનલ્ટી આપવી પડે છે. તેથી, તેનો ઉપયોગ છેલ્લા ઉપાય તરીકે કરવામાં આવે છે.
ક્યારે ભરાય છે રિવાઈઝ્ડ રિટર્ન?
રિવાઈઝ્ડ રિટર્ન ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગી છે, જેમ કે રિટર્ન ફાઇલ કર્યા પછી ખબર પડે કે તમે ઈન્ટરેસ્ટ, કેપિટલ ગેઈન અથવા અન્ય સ્ત્રોતમાંથી થયેલી ઈનકમ બતાવવાનું ચૂકી ગયા છો. કેટલાક કિસ્સાઓમાં, તમે ડિપેન્ડન્ટને ઉમેરવા અથવા દૂર કરવા માંગી શકો છો, તો તેના માટે પણ રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. ક્યારેક, તમારી પર્સનલ ડિટેલ્સમાં પણ ભૂલો થઈ શકે છે, જેમ કે ખોટા બેંક એકાઉન્ટ નંબર અથવા ખોટી માહિતી. આને સુધારવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે સમયસર રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરી દો.
ટેક્સ રિફંડ પછી ભરી શકાય રિવાઈઝ્ડ રિટર્ન?
ઘણા લોકો એવું વિચારે છે કે એકવાર તમને ટેક્સ રિફંડ મળી જાય પછી તમારા રિટર્નમાં ફેરફાર કરી શકાતો નથી. પરંતુ તે સાચું નથી. રિફંડની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ તમે તમારા રિટર્નને ફરીથી ફાઇલ કરી શકો છો. આનો અર્થ એ થયો કે જો પાછળથી કોઈ ભૂલ જણાય તો તેને સુધારવાની સંપૂર્ણ તક છે.
આ સ્ટેપ ના ભૂલતા
રિવાઈઝ્ડ રિટર્નને પણ એટલી જ ગંભીરતાથી વેરિફાઈ કરવું જરૂરી છે જેટલું ઓરિજિનલ રિટર્નને વેરિફાઈ કરો છો. ઓનલાઈન સબમિટ કર્યાના 30 દિવસની અંદર તેને વેરિફાઈ કરી લેવું જોઈએ. જો વેરિફિકેશન નહીં કરો તો રિટર્ન માન્ય નહીં ગણાય.
આ નિયમ ટેક્સેયર્સને વિશ્વાસ અપાવે છે કે જો તેઓ પહેલીવાર ભૂલ કરે છે, તો પણ તેમને તેને સુધારવાની તક મળે છે. જેનાથી પારદર્શિતા જળવાયેલી રહે છે અને રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયા પણ સુરક્ષિત અનુભવાય છે.