દરેક વ્યક્તિને પોતાના અધિકારોની જાણ હોવી ખુબ જ જરૂરી છે. કારણ કે ક્યારેક જો આપણે આપણા અધિકારો વિશે ના જાણતા હોઈએ તો અન્યાય સામે લડી પણ નથી શકતા. દિલ્હી રાજ્ય ગ્રાહક આયોગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને ગ્રાહકને વળતર તરીકે રૂ. 1.7 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં ગ્રાહકના ખાતામાં પૂરતુ ભંડોળ હોવા છતાં, બેંક દ્વારા EMI બાઉન્સ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. કમિશને જણાવ્યું હતું કે આ બેંકની સર્વિસમાં ખામી દર્શાવે છે.
કાર લોનથી શરૂ થયો વિવાદ
દિલ્હી સ્થિત એક મહિલાએ 2008માં HDFC બેંકમાંથી ₹2.6 લાખની કાર લોન લીધી હતી. તેમણે લોનની EMI ચૂકવવા માટે તેના SBI ખાતામાંથી ઓટો-ડેબિટ (ECS)ની પરમિશન આપી હતી. દર મહિને 7,054 રૂપિયાની EMI બેંક ખાતામાંથી આપમેળે કપાઈ જવાની હતી. પરંતુ સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે ૧૧ EMI બાઉન્સ થઈ અને SBI એ દરેક વખતે ૪૦૦ રૂપિયાનો દંડ કાપી લીધો.
ગ્રાહક પાસે હતા પુરતા પુરાવા
મહિલાને જ્યારે EMI બાઉન્સની નોટિસ મળી, ત્યારે તેણે તરત જ તેનું બેંક સ્ટેટમેન્ટ તપાસ્યું. સ્ટેટમેન્ટમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે દરેક વખતે તેના ખાતામાં પૂરતી રકમ હતી. આમ છતાં, બેંકે અપૂરતા બેલેન્સનું કારણ આપીને ચાર્જ કાપી લીધો છે. તેમણે બેંક અધિકારીઓ સાથે ઘણી વખત વાત કરી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં.
11 વર્ષ સુધી ચાલી કાયદેસરની લડાઈ
૨૦૧૦માં, તેમણે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરી, પરંતુ તેમનો દાવો નકારી કાઢવામાં આવ્યો. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (NCDRC) નો સંપર્ક કર્યો. NCDRCએ કેસ પાછો દિલ્હી રાજ્ય ગ્રાહક આયોગને મોકલ્યો. અંતે, 9 ઓક્ટોબર, 2025ના રોજ, નિર્ણય તેમના પક્ષમાં આવ્યો.
SBIનો તર્ક અને આયોગનો જવાબ
SBIએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે ECS આદેશમાં ખોટી માહિતી આપવામાં આવી હતી, જેના કારણે ચુકવણી નિષ્ફળ ગઈ હતી. જોકે, આયોગે આ દલીલને ફગાવી દીધી હતી, અને પૂછ્યું કે, "જો ECS ખોટો હતો, તો બાકીના EMI કેવી રીતે કાપવામાં આવ્યા?" બેંક કોઈ ચોક્કસ પુરાવા રજૂ ના કરી શકી કે ગ્રાહકના ખાતામાં પૈસા નહોતા અથવા આદેશમાં ભૂલ હતી.
આયોગે પોતાના આદેશમાં જણાવ્યું કે બેંકિંગ સંસ્થાઓએ તેમના ગ્રાહકો પ્રત્યે પારદર્શક અને જવાબદાર અભિગમ અપનાવવો જોઈએ. ગ્રાહકના ખાતામાં પૂરતું ભંડોળ હોવા છતાં ખોટા ચાર્જ વસુલવા એ ગ્રાહકના અધિકારોનું ઉલ્લંઘન છે.