હમણાં થોડા સમય પહેલા હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા આપનાર અમુક મોટી કંપનીઓ પર એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ હોસ્પિટલમાં યોગ્ય સર્વિસ ન આપવા પર પ્રતિબંધ લગાવવા બાબતથી જે તે કંપનીના ઇન્શ્યોરન્સ ધરાવનાર દર્દીઓ મુંજવણમાં મુકાયા હતા. ત્યારે હવે એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ કંપનીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
બજાજ આલિયાન્ઝ અને કેર હેલ્થની કેશલેસ સેવાઓને રાહત
આજથી થોડા સમય પહેલા એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા દ્વારા બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ અને કેર હેલ્થ ઇન્શ્યોરન્સની કેશલેસ સેવાઓ પર વિવિધ હોસ્પિટલમાં યોગ્ય સર્વિસ ન આપવા પર પ્રતિબંધ લગવામાં આવ્યો હતો. આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી હતી કેમકે મેનેજમેન્ટ તરફથી કરવામાં આવેલ નિવેદન મુજબ આ બંને ઇન્શ્યોરન્સ કંપનીઓ તરફથી હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે યોગ્ય ડોક્યુમેન્ટ વ્યવહાર કરવામાં આવતો ન હતો અને દર્દીઓને અગવડ ન પડે એ માટે જે યોગ્ય સહયોગ મળવો જોઈએ એ બાબતની પણ કમી જોવા મળી હતી.
AHPIએ પ્રતિબંધ હટાવ્યો
બજાજ આલિયાન્ઝ અને હેલ્થ કેરના પોલિસીધારકોને AHPIના આ નિર્ણયથી ખૂબ મોટી અસર થઈ હતી કેમ કે AHPIના આ તાત્કાલિક નિર્ણયથી ઇન્શ્યોરન્સ સેવા મેળવનાર પોલિસીધારકો કંપનીને રૂપિયા ભરવા છતાં પાંગળા થઈ ગયા હોય કઈક એવો ઘાટ ઘડાયો હતો. હોસ્પિટલ સાથેના સતત વિવાદ બાદ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે 1 સપ્ટેમ્બર, 2025 થી, આ વીમા કંપનીઓના ગ્રાહકોને ઉત્તર ભારતની ઘણી હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા મળશે નહીં, પરંતુ અંતે આ મામલો હવે ઉકેલાઈ ગયો છે. કેશલેસ સેવાઓ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે.
બેઠક બાદ મામલો થાળે પડ્યો
AHPIએ આ બંને વીમા કંપનીઓ બાબતે આપેલા મોટા નિવેદન બાદ કંપનીની મુશ્કેલીઓમાં ખૂબ વધારો થઈ ગયો હતો કેમકે બંને પર પોલિસીધારકોનું દબાણ સતત વધી રહ્યું હતું. આથી 28 ઓગસ્ટના રોજ, AHPIની કોર કમિટીના અધિકારીઓ અને બજાજ આલિયાન્ઝ અને કેર હેલ્થ ઇન્શ્યોરન્સના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, બંને પક્ષોએ જૂના વિવાદો પર ચર્ચા કરી અને તેનું નિરાકરણ કર્યું. આ પછી, એવું નક્કી કરવામાં આવ્યું કે બજાજ આલિયાન્ઝ 29 સપ્ટેમ્બર 2025 સુધીમાં AHPIને તેની કાર્યવાહી વિશે તમામ જાણ કરશે અને હોસ્પિટલોની ફરિયાદોના નિરાકરણ માટે જરૂરી પગલાં લેશે.