ભારત સરકાર અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS) ને વધુ મજબૂત અને આકર્ષક બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. નિવૃત્તિ પછી નાગરિકોને આર્થિક રીતે સુરક્ષિત કરવાના હેતુથી હવે NPS હેઠળ ખાતરીપૂર્વકનું પેન્શન આપવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના
PFRDA એ NPS ના વર્તમાન માળખામાં સુધારા કરવા માટે 15 સભ્યોની એક શક્તિશાળી સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. એમ. એસ. સાહૂ IBBI ના પૂર્વ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં કાયદા, નાણાં, વીમા અને મૂડી બજારના દિગ્ગજ નિષ્ણાતોનો સમાવેશ થાય છે, જેઓ પેન્શન ચુકવણીને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરશે.
શું બદલાશે?
મુખ્ય ફેરફારો સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય NPS ને માત્ર બજાર આધારિત પ્રોડક્ટ રાખવાને બદલે તેમાં કાનૂની ગેરંટી ઉમેરવાનો છે.રોકાણકારોને નિવૃત્તિ પછી એક નિશ્ચિત રકમ મળે તે માટે કાયદાકીય માળખું તૈયાર થશે. અનામત રાખેલી રકમ (Accumulation) થી લઈને પેન્શન મળવા (Decumulation) સુધીની પ્રક્રિયાને એકદમ સરળ અને અવરોધરહિત બનાવવામાં આવશે. પેન્શનની વિશ્વસનીયતા વધારવા માટે 'Novation' અને 'Settlement' જેવા આધુનિક આર્થિક ખ્યાલોનો અમલ કરવામાં આવશે.
પેન્શનધારકોને થનારા ફાયદા
આ બદલાવથી સામાન્ય રોકાણકારને સૌથી મોટો ફાયદો એ થશે કે તેમને બજારની વધઘટ વચ્ચે પણ એક સ્થિર આવકની ખાતરી મળશે. સમિતિ લોક-ઇન પિરિયડ, ઉપાડની મર્યાદા અને સેવા શુલ્ક માટે સ્પષ્ટ નિયમો બનાવશે. સૌથી મહત્વની વાત એ છે કે, ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા રોકવા માટે એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર ફ્રેમવર્ક તૈયાર કરાશે, જેથી લોકોને ખબર પડે કે તેમને મળતી ગેરંટી અને માર્કેટ રિટર્ન વચ્ચે શું તફાવત છે.
સરકારનું આ પગલું 'વિકસિત ભારત 2047
સરકારનું આ પગલું 'વિકસિત ભારત 2047' ના લક્ષ્ય તરફનું એક મહત્વનું સોપાન છે. આ નવી વ્યવસ્થાથી વૃદ્ધાવસ્થામાં ભારતીય નાગરિકો આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બનશે. જો આ સમિતિની ભલામણોનો અમલ થશે, તો NPS એ વિશ્વની સૌથી સુરક્ષિત અને લોકપ્રિય પેન્શન યોજનાઓમાંથી એક બની શકે છે.
