LICએ તેના શેરહોલ્ડર્સ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:1ના પ્રમાણમાં બોનસ શેર જાહેર કરવાની મંજૂરી આપી છે. એટલે કે, જે શેરહોલ્ડર્સ પાસે એક પૂર્ણ ચૂકવેલ શેર હશે, તેમને તેના બદલામાં એક વધારાનો શેર મળશે. કંપનીએ 13 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલી રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું કે આ બોનસ શેર ઈશ્યૂ માટે LIC તેના રિઝર્વમાંથી રૂપિયા 6,325 કરોડનું કેપિટલાઈઝેશન કરશે.
બજારમાં શેરની લિક્વિડિટી વધવાની શક્યતા
આ રકમ 31 ડિસેમ્બર 2025 સુધી ઉપલબ્ધ રિઝર્વ અને સરપ્લસમાંથી લેવામાં આવશે. બોનસ શેર રૂપિયા 10ના ફેસ વેલ્યૂના હશે. આ નિર્ણયથી LICના શેરહોલ્ડર્સને સીધો લાભ મળશે, કારણ કે તેમની પાસે રહેલા શેરોની સંખ્યા બમણી થઈ જશે. જોકે, કંપનીના કુલ મૂલ્યમાં તરત કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ બજારમાં શેરની લિક્વિડિટી વધવાની શક્યતા છે.
