જયારે કોઈ વ્યક્તિ વીમા પૉલિસી ખરીદ્યા પછી મૃત્યુ પામે છે, ત્યારે વીમાની રકમ તેમના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડે છે. પરંતુ, જ્યારે વીમા કંપની તબીબી સ્થિતિ છુપાવવાનો આરોપ લગાવીને ચૂકવણી કરવાનો ઇનકાર કરે છે, ત્યારે પરિવારને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મધ્યપ્રદેશમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિની જીવન વીમા પૉલિસીના નાણાં મેળવવા માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી અને આખરે ગ્રાહક આયોગે LIC ની અપીલ ફગાવીને તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

LIC નો દાવો અને પત્નીનો પક્ષ

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ દાવો કર્યો હતો કે મૃતક હસનંદે પૉલિસી રિવાઇવ કરતી વખતે પોતાના તબીબી ઇતિહાસની સાચી માહિતી આપી ન હતી. LIC અનુસાર, તેમને ટાઇપ ૨ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર હતું, જે સ્વાસ્થ્ય ઘોષણા ફોર્મમાં છુપાવવામાં આવ્યું હતું. કંપનીએ ડૉક્ટરના તબીબી પ્રમાણપત્રનો પણ હવાલો આપ્યો હતો. જોકે, આશા દેવીએ આ દાવાને ફગાવતા જણાવ્યું હતું કે તેમના પતિની કોઈ ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી ન હતી.

પૉલિસીની વિગતો અને દાવાની અસ્વીકારતા

આ મામલો મધ્યપ્રદેશના રહેવાસી આશા દેવી શીતલાણીનો છે. તેમના પતિ હસનંદે 14 માર્ચ, 2006 અને 21 ઓક્ટોબર, 2008ના રોજ અનુક્રમે 1 લાખ અને 2 લાખ રૂપિયાની બે જીવન વીમા પૉલિસી લીધી હતી. સમયસર પ્રીમિયમ ન ભરાવાને કારણે પૉલિસી રદ થઈ ગઈ હતી, જેને ૧૪ ડિસેમ્બર, 2010ના રોજ પુનઃજીવિત કરવામાં આવી હતી. માર્ચ 2012માં હસનંદનું અવસાન થતાં તેમની પત્નીએ વીમા રકમનો દાવો કર્યો હતો, પરંતુ LIC દ્વારા 16 જાન્યુઆરી, 2014ના રોજ આ દાવો નકારી કાઢવામાં આવ્યો હતો.

રાજ્ય ગ્રાહક આયોગનો ચુકાદો 

મધ્યપ્રદેશ રાજ્ય ગ્રાહક આયોગે નોંધ્યું હતું કે LIC બીમારી છુપાવવાના આરોપને સિદ્ધ કરવા માટે પૂરતા તબીબી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આયોગે જિલ્લા આયોગના નિર્ણયને માન્ય રાખતા LIC ને 16 જાન્યુઆરી, 2014 થી ચૂકવણીની તારીખ સુધી રૂ. 3 લાખની વીમા રકમ, લાગુ બોનસ અને 7% વાર્ષિક વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ મહિલાને વળતર પેટે રૂ. 5,000 અને મુકદ્દમા ખર્ચના રૂ. 1,500 આપવાનો પણ આદેશ અપાયો હતો.

પોલીસીમાં વિસંગતતા, LICએ નકાર્યો દાવો

સુનાવણી દરમિયાન વીમા લોકપાલને દસ્તાવેજોમાં ગંભીર વિસંગતતાઓ પણ મળી હતી; દાખલા તરીકે, પૉલિસી ડિસેમ્બર 2010માં પુનઃસ્થાપિત થઈ હતી જ્યારે સ્વાસ્થ્ય ઘોષણા ફોર્મ ડિસેમ્બર 2012નું દર્શાવવામાં આવ્યું હતું, જો કે હસનંદનું મૃત્યુ માર્ચ 2012માં જ થઈ ચૂક્યું હતું. આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે વીમા કંપનીઓએ માત્ર મૌખિક કે અસમર્થિત આરોપોના આધારે દાવા નકારવા માટે નક્કર પુરાવા રજૂ કરવા પડે છે.


આ પણ વાંચો : EPFOનો મોટો નિર્ણય! જૂના PF ખાતામાં જમા પૈસા મેળવવા હવે ક્લેમ કરવાની જરૂર નહીં