ભારતની અગ્રણી ખાનગી બેન્કોમાંની એક ICICI બેન્કમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હવે પોતાનો હિસ્સો વધારી શકશે. ICICI બેન્કે શનિવારે શેરબજારોને કરેલી નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ LICને બેન્કના પેઈડ-અપ શેર કેપિટલ અથવા વોટિંગ રાઈટ્સમાં 9.99 ટકા સુધીની હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપી છે.
પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો RBIની મંજૂરી આપમેળે રદ થઈ જશે
RBI તરફથી આ મંજૂરી 4 સપ્ટેમ્બર 2026ના રોજ આપવામાં આવી હતી. ICICI બેન્કને મળેલા પત્ર અનુસાર, LICએ એક વર્ષની અંદર આ હિસ્સેદારી હાંસલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો નિર્ધારિત સમયગાળામાં સ્ટેક વધારવાની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો RBIની મંજૂરી આપમેળે રદ થઈ જશે. આ ઉપરાંત, હિસ્સો ખરીદવાની પ્રક્રિયામાં લાગુ પડતા તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.
