ભારતીય સરકારી જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)એ નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટર (Q4)માં મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીએ આ સમયગાળામાં તેના કન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં 23%ની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં નફો 19,039 કરોડ રૂપિયા હતો, જે વધીને હવે 23,467 કરોડ રૂપિયા થયો છે.

LICની નેટ પ્રીમિયમ આવકમાં પણ નોંધપાત્ર વધારો

કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર 10 રૂપિયા ડિવિડન્ડની ભલામણ પણ કરી છે. LICની નેટ પ્રીમિયમ આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ આવક 12% વધીને 1.65 લાખ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે ગયા વર્ષે તે 1.48 લાખ કરોડ રૂપિયા હતી. આ વૃદ્ધિ મુખ્યત્વે રિન્યુઅલ અને સિંગલ પ્રીમિયમ સેગમેન્ટમાં થયેલા સુધારાના કારણે થઈ છે. આ ત્રિમાસિકમાં ફર્સ્ટ યર પ્રીમિયમ આવક 13,009 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના 11,103 કરોડ રૂપિયાની સરખામણીમાં 17% વધુ છે. રિન્યુઅલ પ્રીમિયમ આવક પણ 14% વધીને 82,233 કરોડ રૂપિયા થઈ છે. સિંગલ પ્રીમિયમ કલેક્શનમાં 22%નો વધારો નોંધાયો છે.

કર્મચારી વેતન અને અન્ય ઓપરેટિંગ ખર્ચમાં વધારો

LICની રોકાણ આવક પણ વધીને 1.09 લાખ કરોડ રૂપિયા થઈ છે. કંપનીએ આ ત્રિમાસિકમાં કુલ 89,058 કરોડ રૂપિયાનું સરપ્લસ નોંધાવ્યું છે. ખર્ચમાં પણ વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને કર્મચારી વેતન અને અન્ય ઓપરેટિંગ ખર્ચમાં. કંપનીનો સોલ્વન્સી રેશિયો સુધરીને 2.35 થયો છે, જે નિયમનકારી જરૂરિયાત કરતાં વધુ છે. કુલ મળીને LICનું આ પ્રદર્શન મજબૂત માનવામાં આવી રહ્યું છે અને રોકાણકારોમાં સકારાત્મક સંકેત આપી રહ્યું છે.

આ પણ વાંચો : DA Hike: સરકારી કર્મચારીઓની લાગી લોટરી, યુપીમાં મોંઘવારી ભથ્થામાં કરાયો 2% નો વધારો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.