બોલીવુડની રંગીન દુનિયામાં ટકી રહેવા માટે નાના મોટા તમામ સેલિબ્રિટીઓને કોસ્મેટિક્સનો સહારો લેવોજ પડતો હોય છે. ખાસ કરીને ચહેરાની સુંદરતા અને શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા સેલિબ્રિટીઓ અલગ અલગ પ્રકારના કોસ્મેટિક્સ અને સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરતાં હોય છે, જેનું વધુ પડતું સેવન એમની મોતનું કારણ પણ બની જતું હોય છે.
કોસ્મેટિક્સનું માર્કેટ 1600 કરોડ રૂપિયાથી વધુ
શેફાલી જરીવાલાની ઉંમર 42 વર્ષ હતી છતાં પણ, તે આ ઉંમરે ખૂબ જ સુંદર દેખાતી હતી. ચોક્કસથી શેફાલી તેની સુંદરતા જાળવવા માટે ખૂબ જ મહેનત કરતી હતી, તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેણે વ્યાયામ અને કસરત કરતી ઘણી પોસ્ટ પણ કરેલી છે. પરંતુ શેફાલી સુંદરતાને જાળવી રાખવા માટે દવાઓ પણ લેતી હતી આવા સમાચાર પણ સામે આવ્યા છે. આ દવાનું નામ ગ્લુટાથિઓન હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જેનું માર્કેટ ભારતમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.
ગ્લુટાથિઓનનું બજાર 114 કરોડ રૂપિયાથી વધુ
એક રિપોર્ટ મુજબ ભારત દેશમાં ગ્લુટાથિઓન બજાર ખૂબજ ઝડપ ભેર આગળ વધી રહ્યું છે. હાલ ભારતમાં ગ્લુટાથિઓનનું બજાર 114 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્વચાને સુંદર બનાવતા અન્ય સપ્લીમેન્ટ્સના માર્કેટ વિશે વાત કરીએ તો તે 1600 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માત્ર શેફાલી નહીં પણ દેશમાં ઘણા લોકો છે જે પોતાની સુંદરતા જાળવવા માટે ત્વચાને ચમકાવતી ગ્લુટાથિઓન દવાનો ઉપયોગ કરી રહ્યા છે.
કોસ્મેટિક ઉદ્યોગમાં ગ્લુટાથિઓનની માંગમાં વધારો
ત્વચાને ચમકાવતી આવી દવાઓ કે જેનું સેવન છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ખુબજ વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સતત છવાયેલા રહેવાની ઘેલછા અને સુંદરતા જાળવવા માટેના સતત પ્રયાસોના લીધે ઘણા સમયથી દેશમાં ગ્લુટાથિઓન ગોળીઓની ખરીદી મોટી માત્રામાં જોવા મળી રહી છે. એક રિપોર્ટ અનુસાર, 2024 માં, તેનું ભારતીય બજાર 13.39 મિલિયન ડોલર એટલે કે 114 કરોડ રૂપિયા જોવા મળ્યું હતું.જો આપણે વર્તમાન વર્ષની વાત કરીએ તો, આ બજાર $220 મિલિયન સુધી પહોંચી શકે છે. આનો અર્થ એ છે કે ભારતમાં આ બજાર આગામી 8 વર્ષમાં બમણાથી વધુ થઈ શકે છે.