ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક આજે પૂર્ણ થઈ છે. દેશભરના મધ્યમ વર્ગ અને લોન ધારકો જે રાહતની આશા રાખી રહ્યા હતા, તેમને ફરી એકવાર નિરાશા સાપડી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

EMI માં કોઈ ઘટાડો નહીં

RBI ના આ નિર્ણયની સીધી અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકો પર પડશે. જો રેપો રેટમાં ઘટાડો થયો હોત તો બેંકો વ્યાજ દર ઘટાડી શકત, જેનાથી ગ્રાહકોનો માસિક હપ્તો (EMI) સસ્તો થાત. પરંતુ હવે વ્યાજ દરો સ્થિર રહેતા ગ્રાહકોએ જૂના દરો મુજબ જ ચુકવણી કરવી પડશે.

મોંઘવારીનો અંદાજ અને અર્થતંત્રની સ્થિતિ

ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના આર્થિક સ્વાસ્થ્ય અંગે સકારાત્મક ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભારતનું અર્થતંત્ર હાલમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને વૃદ્ધિનો દર પ્રોત્સાહક છે. જોકે, કેન્દ્રીય બેંકે મોંઘવારીના અંદાજમાં થોડો વધારો કર્યો છે, જે ચિંતાનો વિષય બની શકે છે.
નાણાકીય વર્ષ 2027 (પ્રથમ ત્રિમાસિક): મોંઘવારીનો અંદાજ 3.9% થી વધારીને 4% કરાયો.
નાણાકીય વર્ષ 2027 (બીજી ત્રિમાસિક): અંદાજ 4% થી વધારીને 4.2% કરવામાં આવ્યો છે.

નિર્ણય પાછળના મુખ્ય કારણો

RBI ની છ સભ્યોની સમિતિએ બુધવારથી જ આ અંગે મંથન શરૂ કર્યું હતું. આ બેઠક એવા સમયે મળી છે જ્યારે તાજેતરમાં રજૂ થયેલ કેન્દ્રીય બજેટ અને ભારત-અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારોને કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે.
રેકોર્ડ મુજબ, RBI એ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં મોંઘવારી નિયંત્રણમાં હોવા છતાં, વૈશ્વિક અનિશ્ચિતતાઓને જોતા રિઝર્વ બેંકે રાહ જુઓ અને જુઓની નીતિ અપનાવી છે. જોકે, કેટલાક બજાર વિશ્લેષકોને અપેક્ષા હતી કે ઉધારી ખર્ચ ઘટાડવા માટે હજુ એક નાનો ઘટાડો થઈ શક્યો હોત, પરંતુ સમિતિએ સ્થિરતાને વધુ મહત્વ આપ્યું છે.


  • Follow us on: