દેશભરમાં લોકોના મનમાં હોળી ક્યારે ઉજવવામાં આવશે તે અંગે ઘણી મૂંઝવણ છે. પરંતુ શેરબજારમાં હોળી રજાની તારીખ અંગે કોઈ મૂંઝવણ નથી. શેર બજાર તેની નિર્ધારિત તારીખે બંધ રહેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની સત્તાવાર રજા યાદી મુજબ શેર બજાર મંગળવાર, 3 માર્ચ, 2026ના રોજ બંધ રહેશે. આ દિવસે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ (SLB) સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ કે સેટલમેન્ટ થશે નહીં.

ક્યારે બંધ રહેશે શેરબજાર?

3 માર્ચે શેરબજાર સંપૂર્ણપણે બંધ રહેશે, પરંતુ કોમોડિટી બજારો સાંજે કાર્યરત રહેશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સવારના ટ્રેડિંગ માટે બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર સાંજે 5થી રાત્રે 11.55 વાગ્યા સુધી ચાલશે.

માર્ચમાં શેરબજાર ક્યારે બંધ થશે?

હોળી પછી માર્ચ મહિનામાં વધુ બે મોટી રજાઓ રહેશે. શેરબજાર 26 માર્ચ, ગુરુવાર, શ્રી રામ નવમી નિમિત્તે અને 31 માર્ચ, મંગળવાર, મહાવીર જયંતિ નિમિત્તે બંધ રહેશે. આ ઉપરાંત 2026માં શેરબજાર 3 એપ્રિલ, ગુડ ફ્રાઈડે, 14 એપ્રિલે ડૉ. આંબેડકર જયંતિ, 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ, 28 મેના રોજ બકરી ઈદ, 26 જૂને મોહરમ, 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 20 ઓક્ટોબરે દશેરા, 10 નવેમ્બરે દિવાળી, 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને 25 ડિસેમ્બરે નાતાલના દિવસે પણ બંધ રહેશે.

શેરબજાર ખુલવાનો અને બંધ થવાનો શું છે સમય?

ભારતીય શેરબજાર સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર સવારે 9:15થી બપોરે 3:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. દરેક ટ્રેડિંગ દિવસ સવારે 9 વાગ્યે પ્રી-ઓપનિંગ સત્રથી શરૂ થાય છે. શનિવાર અને રવિવારે બજાર બંધ રહે છે. સોમવારે બજારમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા અને ત્યારબાદ તણાવમાં વધારો વૈશ્વિક બજારોને અસર કરી શકે છે.

આ પણ વાંચો : Business News : મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ટ્રાવેલ કંપનીઓ અને ટૂરિઝમ સેક્ટરના શેરમાં મોટો ઘટાડો