આજના સમયમાં જંક ફૂડ કોને પસંદ નથી? ખાસ કરીને બર્ગર અને ફ્રાઇઝ ઘણા લોકો પસંદ કરે છે. જો તમે પણ McDonald'sમાંથી બર્ગર ઓર્ડર કરો છો, તો આવનારા સમયમાં અલગ-અલગ જગ્યાએ બર્ગરની કિંમત અલગ હોઈ શકે છે. કારણ કે કંપની બર્ગરની કિંમત નક્કી કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં કામ કરી રહી છે.

કંપની હવે AI અને ડેટાની મદદથી અલગ-અલગ રેસ્ટોરન્ટ માટે મેન્યૂની કિંમતો નક્કી કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. એટલે દરેક જગ્યાએ બર્ગરની કિંમત એકસરખી રહે તે જરૂરી નહીં હોય. કિંમત સ્થળ અને ગ્રાહકો કેટલો ખર્ચ કરવા તૈયાર છે તેના આધારે નક્કી થઈ શકે છે.

AIનું મુખ્ય કામ શું રહેશે?

McDonald's હવે વિસ્તાર પ્રમાણે બર્ગરની કિંમત નક્કી કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. જો કોઈ વિસ્તારમાં લોકો વધુ પૈસા ખર્ચવા તૈયાર હોય તો ત્યાં બર્ગરની કિંમત વધુ હોઈ શકે છે. જ્યારે કોઈ વિસ્તારમાં ગ્રાહકો મોંઘો બર્ગર ખરીદવા તૈયાર ન હોય તો ત્યાં કિંમત અલગ રાખી શકાય છે.

આ ઉપરાંત AI અલગ-અલગ રેસ્ટોરન્ટના અગાઉના વેચાણના ડેટાનું પણ વિશ્લેષણ કરશે અને કઈ વસ્તુની માંગ વધુ છે તે પણ તપાસશે. તેથી 2 અલગ વિસ્તારોમાં બર્ગરની કિંમતમાં તફાવત જોવા મળી શકે છે.

શું ભારતમાં લાગુ થઈ છે આ સિસ્ટમ?

રોઇટર્સના અહેવાલ મુજબ, હાલમાં આ AI સિસ્ટમ ભારતમાં લાગુ કરવામાં આવી નથી. તેનો ઉપયોગ અમેરિકામાં McDonald'sની કેટલીક રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે. જોકે, ભારતમાં તેને લાગુ કરવાની કોઈ માહિતી હજુ સામે આવી નથી.

લાખો ટ્રાન્ઝેક્શનના ડેટા પર નજર

McDonald'sની AI સિસ્ટમ મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટના ટ્રાન્ઝેક્શનના ડેટાનું વિશ્લેષણ કરશે. તેનો હેતુ એ જાણવાનો છે કે કયા વિસ્તારમાં બર્ગરની કેટલી માંગ છે અને ત્યાંના ગ્રાહકો કેટલો ખર્ચ કરવા તૈયાર છે.