આગામી દિવસોમાં સામાન્ય જનતાના બજેટ પર દૂધના વધતા ભાવનો વધુ એક બોજ પડી શકે છે. પંજાબના 'પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન' (PDFA) એ દૂધના ખરીદ ભાવમાં તાત્કાલિક અસરથી પ્રતિ કિલોગ્રામ ઓછામાં ઓછા 4 રૂપિયાનો વધારો કરવાની માંગ ઉઠાવી છે. એસોસિએશને લુધિયાણા ડેપ્યુટી કમિશનર (DC) કચેરી ખાતે મુખ્યમંત્રી ભગવંત માનને સંબોધીને એક આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 5 ડિસેમ્બર, 2026 સુધીમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ રાજ્ય સરકાર અને દૂધ પ્લાન્ટ્સ સામે ઉગ્ર આંદોલન છેડશે.

પશુ આહાર અને ચારાના ભાવમાં તોતિંગ વધારાથી ઉત્પાદન ખર્ચ વધ્યો

PDFA ના પ્રમુખ દલજીત સિંહ ગિલના જણાવ્યા અનુસાર, પશુ આહાર, લીલો ચારો અને પશુઓની દવાઓના ભાવમાં અસહ્ય વધારો થવાથી દૂધ ઉત્પાદન ખર્ચ ઘણો વધી ગયો છે. આંકડાકીય વિગતો આપતા તેમણે જણાવ્યું કે:

મકાઈ: ₹2,100 થી વધીને ₹3,00 પ્રતિ ક્વિન્ટલ

સોયાબીન ખોળ: ₹4,500 થી વધીને ₹7,000 પ્રતિ ક્વિન્ટલ

સરસવનો ખોળ: ₹3,000 થી વધીને ₹4,200 પ્રતિ ક્વિન્ટલ

ડાંગરનું ભૂસું: ₹350 થી વધીને ₹1,300 પ્રતિ ક્વિન્ટલ

આ ઉપરાંત પોષક તત્વોના ભાવમાં પણ લગભગ 50 ટકાનો ઉછાળો આવ્યો છે, જેના કારણે પશુપાલકો માટે વ્યવસાય ટકાવી રાખવો મુશ્કેલ બન્યો છે.

કંપનીઓએ ભાવ વધાર્યા પણ ખેડૂતોને ન મળ્યો લાભ

એસોસિએશને આરોપ લગાવ્યો છે કે મિલ્કફેડ (Milkfed) અને ખાનગી દૂધ કંપનીઓએ ગ્રાહકો માટે દૂધના છૂટક વેચાણ ભાવમાં પ્રતિ લિટર 4 થી 6 રૂપિયાનો વધારો ઝીંક્યો છે, પરંતુ તેનો કોઈ આર્થિક ફાયદો દૂધ પૂરું પાડતા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યો નથી. ખેડૂતોએ અન્ય રાજ્યોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે કર્ણાટક, હરિયાણા અને હિમાચલ પ્રદેશની સરકારો દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો અનુક્રમે ₹7, ₹5 અને ₹6 ની સબસિડી આપી રહી છે, જ્યારે પંજાબ સરકારે ન તો ખરીદ ભાવ વધાર્યા છે કે ન તો કોઈ નાણાકીય સહાય જાહેર કરી છે.

પંજાબની 'સંવર્ધન નીતિ' પાછી ખેંચવાની પણ ઉઠી માંગ

દૂધના ભાવ વધારાની સાથે સાથે PDFA એ રાજ્ય સરકારની 'સંવર્ધન નીતિ' (Breeding Policy) તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી છે. એસોસિએશનનો દાવો છે કે આ નીતિના જટિલ નિયમો ગાય અને ભેંસની ઓલાદ સુધારણાના પ્રયાસોમાં અવરોધરૂપ બની રહ્યા છે. કૃત્રિમ ગર્ભાધાન (Artificial Insemination) માટે માનવશક્તિ પરના નિયંત્રણો, વીર્ય સંગ્રહના નિયમો, વધારાની કાગળની કાર્યવાહી અને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી સંબંધિત નિયમોએ ડેરી કામગીરીને વધુ ખર્ચાળ અને મુશ્કેલ બનાવી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Petrol Diesel Price Today: પેટ્રોલના ભાવમાં ભડકો કે પછી... જાણો ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા શું છે 1 લિટરનો લેટેસ્ટ રેટ