આ વખતે દિવાળીના દિવસે સોમવારે શેરબજારમાં આખો દિવસ કામગીરી થશે. એટલે કે જે દિવસે સમગ્ર દેશમાં દિવાળીની રજાઓ હશે, તે દિવસે શેરબજાર ખુલ્લું રહેશે. દર વર્ષે દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ થાય છે, જેને શુભ માનવામાં આવે છે. ત્યારે આ વખતે મુહૂર્ત ટ્રેડિંગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જાણી લો મુહૂર્ત ટ્રેડિંગનો સમય
આ વખતે દિવાળી અને મુહૂર્ત ટ્રેડિંગને લઈને લોકોમાં અસમંજસ છે કે દિવાળી કયા દિવસે છે અને મુહૂર્ત ટ્રેડિંગ કયા દિવસે થશે? શાસ્ત્રો મુજબ દિવાળી અમાસના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે અમાસની શરૂઆત 20 ઓક્ટોબરથી થઈ રહી છે, તેના કારણે 20 ઓક્ટોબરે જ દિવાળી ઉજવવામાં આવશે પણ આ દિવસે શેરબજાર આખો દિવસ ખુલ્લું રહેશે. જ્યારે શેરબજારમાં દિવાળી 21 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. BSE-NSEએ બજારની રજાઓ અને મુહૂર્ત ટ્રેડિંગના શેડ્યુલની જાહેરાત કરી દીધી છે. શેરબજાર માટે દર વર્ષે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવે છે. આ વખતે મુહૂર્ત ટ્રેડિંગનો સમય સામાન્ય દિવસોની જેમ સાંજે નહીં પણ બપોરે 1.45થી 2.45 સુધીનો રાખવામાં આવ્યો છે.
