સામાન્ય રોકાણકારો હજુ પણ એફડી બાદ મ્યુચ્યુઅલ ફંડને રોકાણ માટે બેસ્ટ માને છે. સામાન્ય રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડમાં વિશ્વાસ અકબંધ છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં ચોખ્ખું રોકાણ 8 ટકા વધીને રૂપિયા 25,978 કરોડ થયું છે. આ પ્રવાહ સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ સંપત્તિ અંડર મેનેજમેન્ટ (AUM) ફેબ્રુઆરીમાં વધીને રૂપિયા 82 લાખ કરોડ થઈ ગઈ, જે જાન્યુઆરીમાં રૂપિયા 81 લાખ કરોડ હતી.
ઈક્વિટી યોજનાઓમાં સકારાત્મક પ્રવાહ આવી શકે
મળતી માહિતી મુજબ ભારત-યુએસ વેપાર ડીલ પર કરાર બાદ રોકાણકારોના વિશ્વાસમાં વધારો થવાને કારણે ઈક્વિટી યોજનાઓમાં સકારાત્મક પ્રવાહ આવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનને સંડોવતા પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે આ મહિને મ્યુચ્યુઅલ ફંડ બજારમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે, પરંતુ ભારતની લાંબા ગાળાની વૃદ્ધિ મજબૂત રહેશે.
કેવા રહ્યા આંકડા?
- મળતી માહિતી મુજબ જાન્યુઆરીમાં ઇક્વિટી સ્કીમ્સમાં રૂપિયા 24,028 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું, જે ફેબ્રુઆરીમાં વધીને રૂપિયા 25,978 કરોડ થયું.
- ઇક્વિટી કેટેગરીમાં, ફ્લેક્સી કેપ ફંડ્સમાં સૌથી વધુ રૂપિયા 6,924.65 કરોડનું ચોખ્ખું રોકાણ મળ્યું.
- આ પછી મિડકેપ ફંડમાં 4,003 કરોડ રૂપિયા અને સ્મોલકેપ ફંડમાં 3,881 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું.
- સેક્ટરલ અને થીમેટિક ફંડ્સમાં રૂપિયા 2,987 કરોડ અને લાર્જકેપ ફંડ્સમાં રૂપિયા 2,112 કરોડનો ચોખ્ખો પ્રવાહ નોંધાયો હતો.
- જોકે, ટેક્સ-બચત ELSS યોજનાઓમાંથી રૂપિયા 650 કરોડનો ચોખ્ખો ઉપાડ થયો હતો.
- એકંદરે, ફેબ્રુઆરી દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને રૂપિયા 94,530 કરોડનો ચોખ્ખો રોકાણપ્રવાહ મળ્યો, જે જાન્યુઆરીમાં નોંધાયેલા રૂપિયા 1.56 લાખ કરોડ કરતા ઓછો છે.
- દરમિયાન, ફેબ્રુઆરી દરમિયાન ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં રૂપિયા 5,255 કરોડનું રોકાણ પ્રાપ્ત થયું.
- બીજી તરફ, જાન્યુઆરીમાં તે 24,040 કરોડ રૂપિયા અને ડિસેમ્બરમાં 11,647 કરોડ રૂપિયા હતું.
- ડેટ-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં પણ ગયા મહિને રૂપિયા 42,106 કરોડનો ચોખ્ખો પ્રવાહ નોંધાયો હતો, જે જાન્યુઆરીમાં રૂપિયા 74,827 કરોડ હતો.
આ પણ વાંચો : ભારતે કરાર હેઠળ Bangladeshને પાંચ હજાર ટન ડીઝલ પૂરું પાડ્યું, જાણો કેવી છે સ્થિતિ?
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.