ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 20 એપ્રિલ 2026ના રોજ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999ની કલમ 15 હેઠળ મિંત્રા ડિઝાઈન્સ પ્રાઈવેટ લિમિટેડના કેસમાં કોમ્પાઉન્ડિંગ ઓર્ડર જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ કંપની સામે ચાલી રહેલી FEMA સંબંધિત તપાસ પૂર્ણ થઈ ગઈ છે.
તપાસમાં શું સામે આવ્યું?
આ કેસમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી 'નો ઓબ્જેક્શન' (NOC) મળ્યા બાદ RBI દ્વારા અંતિમ ઓર્ડર આપવામાં આવ્યો છે. અગાઉ EDને મળેલી માહિતીના આધારે FEMA નિયમોના સંભવિત ઉલ્લંઘનની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કંપની પર બે મુખ્ય આરોપો સામે આવ્યા હતા. પ્રથમ, ફોરેન સિક્યુરિટી સંબંધિત નિયમો હેઠળ આવશ્યક વાર્ષિક પરફોર્મન્સ રિપોર્ટ (APR) સમયસર રજૂ ન કરવો. આ કેસ અંદાજે ₹42.85 કરોડની વિદેશી રોકાણ પ્રતિબદ્ધતા સાથે જોડાયેલો હતો.
બીજું, APR રજૂ કર્યા વિના ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (ODI) મારફતે નાણાકીય પ્રતિબદ્ધતા કરવામાં આવી હોવાનું પણ નોંધાયું હતું, જે FEMA નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાયું હતું. આ મામલો લગભગ ₹3.03 કરોડ સાથે સંબંધિત હતો. કંપનીએ FEMAની કલમ 15 હેઠળ RBI સમક્ષ કોમ્પાઉન્ડિંગ માટે અરજી કરી હતી. RBIએ આ અંગે ED પાસેથી અભિપ્રાય માગ્યો હતો, જેમાં EDએ કોઈ વાંધો ન દર્શાવતા સમાધાન માટે મંજૂરી આપી હતી.
રૂપિયા 2.88 લાખની રકમથી કેસ સમાપ્ત
EDની મંજૂરી બાદ RBIએ 20 એપ્રિલ 2026ના પોતાના આદેશમાં બંને ઉલ્લંઘનોનું સમાધાન કર્યું. કંપનીએ કુલ ₹2.88 લાખની રકમ ચૂકવીને મામલો નિપટાવ્યો છે. આ સાથે મિંત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ સામે ચાલી રહેલી FEMA તપાસ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Rajesh Exports પર 15.15 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ, શું LIC અને કેનરા બેન્કના પૈસા પણ ફસાયા?