ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન નાદિર ગોદરેજ ઓગસ્ટ 2026માં નિવૃત્ત થવાના છે. કંપનીએ સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. નિવૃત્તિ બાદ તેઓ ગ્રુપમાં “ચેરમેન એમેરિટસ” તરીકે જોડાયેલા રહેશે. 1977થી તેઓ લાંબા સમય સુધી આ પ્રતિષ્ઠિત ગ્રુપના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

ગોદરેજ પ્રોપર્ટીઝના બોર્ડમાંથી પણ બહાર થશે

કંપની દ્વારા રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવવામાં આવ્યું છે કે નાદિર ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ગોદરેજ પ્રોપર્ટીઝના બોર્ડમાંથી પણ બહાર થશે. આ નિર્ણય જનરેશનલ સક્સેશન પ્લાનિંગનો ભાગ છે. સાથે જ તેમણે એસ્ટેક લાઈફસાયન્સિસના ચેરમેન અને નોન-એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર પદેથી પણ રાજીનામું આપ્યું છે, જે 13 એપ્રિલ 2026થી અસરકારક બનશે.

કોણ સંભાળશે ચેરમેન પદ?

નાદિર ગોદરેજે કહ્યું કે દાયકાઓ સુધી ગ્રુપની સેવા કરવી તેમના માટે ગૌરવની વાત રહી છે. તેમણે ઉમેર્યું કે આગામી પેઢીના નેતૃત્વ હેઠળ કંપની વધુ મજબૂત બનશે અને તેની મૂળભૂત મૂલ્યો સાથે આગળ વધશે. તેમની જગ્યાએ ગ્રુપના ચેરમેન ડિઝાઈનેટ પિરોમશા ગોદરેજ 14 ઓગસ્ટ 2026થી ચેરમેન પદ સંભાળશે. તેઓ ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ કેપિટલ અને ગોદરેજ વેન્ચર્સના ચેરમેન તરીકે પણ કામગીરી ચાલુ રાખશે.

આ સાથે બુરજીસ ગોદરેજ ગોદરેજ એગ્રોવેટના ચેરમેન બનશે અને બોર્ડમાં નોન-એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાશે. ઉપરાંત વિશાલ શર્માને એસ્ટેક લાઈફસાયન્સિસના ચેરપર્સન તરીકે અને અરીજિત મુખર્જીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gold Silver Price Today: સસ્તુ થયુ સોનું ચાંદી, જાણી લો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ