કેન્દ્ર સરકાર દ્વારા 'કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, 2026' (EPF Scheme 2026) અંગેનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે EPFO સભ્યો માટે એક આધુનિક અને ડિજિટલ યુગની શરૂઆત સમાન છે. આ દરમિયાન, ઇન્ડિયા ટુડે દ્વારા દાખલ કરવામાં આવેલી માહિતી અધિકાર (RTI) વિનંતી હેઠળ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે લાખોથી વધુના પીએફ ખાતામાં કરોડો જેટલી રકમ પડી છે જેનો કોઈ દાવેદાર નથી.

દેશમાં ૩૦ લાખથી વધુ PF ખાતા નિષ્ક્રિય

અહેવાલ અનુસાર, દેશમાં હાલમાં EPFO હેઠળ અંદાજે 30.91 લાખ નિષ્ક્રિય (Inoperative) ખાતાઓ છે, જેમાં ₹9,330 કરોડથી વધુ રકમ એવી છે જેના પર કોઈએ દાવો કર્યો નથી. આ ફંડ એટલું મોટું છે કે તેના ખર્ચે દેશમાં ત્રણ નવી IIT નું નિર્માણ થઈ શકે છે. નવી EPF યોજના, 2026 ના અમલીકરણના સમયે જ આ નિષ્ક્રિય અને અનક્લેમ્ડ થાપણોનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જોકે, આધાર-લિંક્ડ અને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ખાતાઓ અંગેની વિગતવાર માહિતી હજુ જાહેર થવાની બાકી છે.

૨૯ જૂનથી અમલમાં આવશે નવી EPF યોજના

વર્ષ ૧૯૫૨ની જૂની વ્યવસ્થાના સ્થાને નવી EPF યોજના આગામી ૨૯ જૂનથી દેશભરમાં અમલી બનશે. આ નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પીએફ (PF) સંબંધિત નિયમોને અત્યંત સરળ બનાવવાનો અને સંસ્થા સાથે જોડાયેલા આશરે ૮ કરોડ સક્રિય EPFO સભ્યો માટે સમગ્ર સિસ્ટમને વધુ સુરક્ષિત અને ડિજિટલ બનાવવાનો છે.

જાણો RTI રિપોર્ટના મુખ્ય અંશો 

RTI માંથી પ્રાપ્ત થયેલા સત્તાવાર ડેટા અનુસાર, EPFO એ જણાવ્યું છે કે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં દેશમાં કુલ ૩૦,૯૧,૮૬૨ નિષ્ક્રિય ખાતાઓ નોંધાયા છે, જેમાં અંદાજે ₹૯,૩૩૦ કરોડનું ભંડોળ દાવા વગર પડ્યું છે. આ આંકડો પાછલા નાણાકીય વર્ષની તુલનામાં થોડો સુધારો દર્શાવે છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ આવા ખાતાઓની સંખ્યા ૩૧.૮૩ લાખ હતી, જે એક વર્ષમાં અંદાજે ૯૨,૦૦૦ જેટલી ઘટીને ૩૦.૯૧ લાખ થઈ છે. આ ખાતાઓમાં જમા થયેલી દાવા વગરની રકમમાં પણ ₹૮૫૧ કરોડનો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ આંકડો ₹૧૦,૧૮૧ કરોડ હતો, જે હવે ઘટીને ₹૯,૩૩૦ કરોડ પર પહોંચ્યો છે.

EPF માં નાણાં ઉપાડવા કે ટ્રાન્સફર કરવા સરળ બનશે

નવી EPF યોજના લાગુ કર્યા બાદ પીએફ ખાતામાં બિનદાવેદાર પડેલી રકમ સામે આવી. નવી ડિજિટલ સિસ્ટમ અને નિયમોના સરલીકરણને કારણે આગામી સમયમાં સભ્યો માટે પોતાના જૂના અને નિષ્ક્રિય ખાતામાંથી નાણાં ઉપાડવા કે ટ્રાન્સફર કરવા વધુ સરળ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો : Taarak Mehta ફેમ શૈલેષ લોઢાએ પોતાની દીકરીના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, સિંગિંગથી પણ જમાવી મહેફિલ!