જો કે હવે UPI સાથે જોડાયેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમાં ફેરફાર થવાનો છે. નવા MDR ફ્રેમવર્ક મુજબ 15 ઓક્ટોબર, 2026થી નવા નિયમો લાગુ થશે. જોકે સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ પહેલાની જેમ જ મફત રહેશે અને તેમને પોતાની તરફથી અલગથી MDR ચૂકવવાનો રહેશે નહીં.
નવા નિયમોમાં ખાસ કરીને ₹2,000થી વધુના કેટલાક UPI વ્યવહારો માટે વેપારીઓ અને સંબંધિત બિઝનેસને MDR ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શેરબજાર અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા UPI પેમેન્ટને સામાન્ય મર્ચન્ટ પેમેન્ટથી અલગ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
શેરબજારમાં UPI પેમેન્ટ પર કેટલો MDR?
કેપિટલ માર્કેટ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ, સ્ટોક બ્રોકર અને ડીલર સાથે જોડાયેલા UPI પેમેન્ટ માટે 0.02% MDR નક્કી કરવામાં આવ્યો છે. તેની મહત્તમ મર્યાદા ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે.

ઉદાહરણ તરીકે, જો તમે UPI દ્વારા ₹10,000નું રોકાણ કરો છો તો 0.02% પ્રમાણે MDR ₹2 થાય છે. ₹50,000ના રોકાણ પર ₹10 અને ₹1 લાખના રોકાણ પર ₹20 MDR બને છે. મોટા વ્યવહારમાં આ ચાર્જ મહત્તમ ₹300 સુધી મર્યાદિત રહેશે.
કયા રોકાણ પર લાગુ થઈ શકે?
આ કેટેગરીમાં UPI દ્વારા કરવામાં આવતા મ્યુચ્યુઅલ ફંડ રોકાણ, સિક્યોરિટીઝ ખરીદી, સ્ટોક બ્રોકર અથવા ડીલરને કરવામાં આવતી ચુકવણી અને બ્રોકિંગ સાથે સંબંધિત ફંડ ટ્રાન્સફરનો સમાવેશ થઈ શકે છે.
સામાન્ય વેપારીને ₹10,000ની ચુકવણી અને મ્યુચ્યુઅલ ફંડમાં ₹10,000નું રોકાણ—બંને UPIથી કરવામાં આવે તો પણ MDRનો દર અલગ રહેશે. સામાન્ય મર્ચન્ટ પેમેન્ટ માટે 0.4%, જ્યારે કેપિટલ માર્કેટ પેમેન્ટ માટે 0.02% દર નક્કી કરવામાં આવ્યો છે.
શું રોકાણકારના બેંક ખાતામાંથી પૈસા કપાશે?
આ સૌથી મહત્વનો મુદ્દો છે. MDR મુખ્યત્વે મર્ચન્ટ અથવા સંબંધિત મધ્યસ્થી પાસેથી લેવામાં આવતી ફી છે. તેથી રોકાણકારે UPIથી ₹1 લાખનું રોકાણ કર્યું એટલે તેના બેંક ખાતામાંથી અલગથી ₹20 MDR કપાશે એવું સીધું માનવું યોગ્ય નથી.
આ ખર્ચને બ્રોકર, મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ અથવા અન્ય મધ્યસ્થી કેવી રીતે સંભાળે છે તે મહત્વનું રહેશે. નવા ફ્રેમવર્ક મુજબ MDRનો ખર્ચ ગ્રાહક પાસેથી અલગથી વસૂલવાની મંજૂરી નથી.
SIP કરનારાઓ પર શું અસર પડશે?
દર મહિને UPI મારફતે SIP કરનારા રોકાણકારો માટે પણ દર 0.02% હોવાથી રકમ પ્રમાણમાં ઓછી રહેશે. ઉદાહરણ તરીકે ₹10,000ના રોકાણ પર MDRની ગણતરી ₹2 થાય છે. જોકે વાસ્તવિક ખર્ચ સંબંધિત રોકાણ પ્લેટફોર્મ આ MDRને કેવી રીતે સંભાળે છે તેના પર આધાર રાખશે.
વારંવાર UPI મારફતે ફંડ ટ્રાન્સફર કરતા ટ્રેડર્સ અને રોકાણકારો માટે આ ફ્રેમવર્ક વધુ મહત્વનું બની શકે છે. NSEના એમડી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે પણ ટૂંકા ગાળામાં UPI મારફતે ટ્રેડિંગ વોલ્યુમ પર અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે સમય જતાં સ્થિતિ સ્થિર થઈ શકે છે. તેથી રોકાણકારોએ પોતાના બ્રોકર અથવા પ્લેટફોર્મની MDR સંબંધિત શરતો જરૂર તપાસવી જોઈએ.
આ પણ વાંચો: RBI Repo Rate Hike: લોન લેનારાઓ માટે મોટા સમાચાર! RBI વ્યાજદર વધારી શકે