દેશની ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) – માટે જુલાઈથી સપ્ટેમ્બર 2026નો સમયગાળો નફાની દૃષ્ટિએ શાનદાર રહ્યો છે. ત્રણેય કંપનીઓનો સંયુક્ત સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 68.3% વધીને ₹30,106 કરોડ થયો છે. ખાસ વાત એ છે કે આ ત્રણ મહિનાનો નફો FY26માં નોંધાયેલા તેમના સંયુક્ત વાર્ષિક નફા ₹77,281 કરોડના લગભગ 39% જેટલો છે. 

ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ત્રણેય કંપનીઓનો સંયુક્ત નફો ₹17,884 કરોડ હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન આ કંપનીઓએ મળીને આશરે ₹18,150 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. આમ, એક જ ક્વાર્ટરમાં કંપનીઓ નુકસાનમાંથી બહાર આવીને મોટા નફામાં પહોંચી છે.

Oil PSU Profit

IOCએ એકલાએ જ ₹21,630 કરોડનો નફો કર્યો

ત્રણેય કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું પ્રદર્શન સૌથી વધુ મજબૂત રહ્યું છે. IOCએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ₹21,630 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીનો નફો ₹7,610 કરોડ હતો. એટલે કે નફો લગભગ ત્રણ ગણો થયો છે. કંપની માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો છે. ત્રણેય કંપનીઓના કુલ ક્વાર્ટર નફામાં IOCનો હિસ્સો આશરે 72% રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં અનુકૂળ હિલચાલ, પેટ્રોકેમિકલ અને ગેસ બિઝનેસમાંથી મજબૂત આવક તથા રિફાઇનિંગ કામગીરીએ નફાને ટેકો આપ્યો હતો. જૂનના મધ્યથી ઓગસ્ટના મધ્ય સુધી ક્રૂડના ભાવમાં આવેલા અસ્થાયી ઘટાડાથી પણ કંપનીને ફાયદો થયો હતો. 

BPCL અને HPCLનો નફો ઘટ્યો, છતાં નુકસાનમાંથી બહાર આવી

IOCની સરખામણીએ BPCL અને HPCLનું પરિણામ મિશ્ર રહ્યું છે. BPCLનો નેટ પ્રોફિટ ગયા વર્ષના ₹6,443 કરોડથી 22.5% ઘટીને ₹4,993 કરોડ થયો છે. HPCLનો નફો પણ 9.1% ઘટીને ₹3,483 કરોડ રહ્યો છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં HPCLએ ₹3,830 કરોડનો નફો કર્યો હતો. જોકે, બંને કંપનીઓ માટે આ ક્વાર્ટર એટલા માટે મહત્ત્વનો છે કે જૂન ક્વાર્ટરમાં તેમને મોટું નુકસાન થયું હતું. BPCLએ અગાઉના ક્વાર્ટરમાં ₹3,962 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું, જ્યારે HPCLનું નુકસાન આશરે ₹11,526 કરોડ હતું. એટલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બંને કંપનીઓ ફરી નફામાં આવી છે. 
Oil PSU Profit

રિફાઇનિંગ માર્જિનમાં જંગી વધારો

આ કંપનીઓના નફામાં ઉછાળાનું મુખ્ય કારણ રિફાઇનિંગ માર્જિનમાં થયેલો સુધારો છે. રિફાઇનિંગ માર્જિન એટલે એક બેરલ ક્રૂડ ઓઇલને પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોમાં ફેરવવાથી મળતો નફો. HPCLનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRM) ગયા વર્ષના સમાન ક્વાર્ટરના પ્રતિ બેરલ 8.80 ડોલરથી વધીને 32.15 ડોલર થયું છે. BPCLનું GRM પણ પ્રતિ બેરલ 10.78 ડોલરથી વધીને 32.53 ડોલર થયું છે. આ વધારાએ બંને કંપનીઓની કમાણીમાં નોંધપાત્ર મદદ કરી છે. 

પેટ્રોલ-ડીઝલના વેચાણમાં દબાણ, LPGની બાકી રકમ પણ મોટી

નફામાં વધારો થયો હોવા છતાં ત્રણેય કંપનીઓ સામે પડકારો યથાવત્ છે. પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ લાંબા સમયથી સ્થિર રાખવામાં આવ્યા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ઇંધણના ભાવમાં ફેરફાર થતો રહ્યો છે. તેના કારણે કંપનીઓને ઇંધણના વેચાણમાં પ્રતિ લિટર નુકસાન સહન કરવું પડ્યું હતું. સપ્ટેમ્બર અંતે ત્રણેય કંપનીઓની ઇંધણ સંબંધિત સંચિત અન્ડર-રિકવરી એટલે કે ખર્ચ અને વેચાણ કિંમત વચ્ચેની બાકી રકમ મળીને ₹67,900 કરોડ થઈ હતી. તેમાં IOCની ₹32,505.69 કરોડ, BPCLની ₹17,334.40 કરોડ અને HPCLની ₹18,048.82 કરોડની બાકી રકમ સામેલ છે. 

આગામી ક્વાર્ટરમાં નફા પર દબાણ આવી શકે છે

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મળેલો નફો ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે તેની ખાતરી નથી. IOCએ ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયાની સ્થિતિ સામાન્ય થતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી ઘટાડો થાય તો કંપનીને ઇન્વેન્ટરી લોસ થઈ શકે છે. ઓક્ટોબરમાં પણ તેલના ભાવમાં ફરી મજબૂતી જોવા મળી હોવાનું ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું છે. આથી, આ ક્વાર્ટરનો મોટો નફો કંપનીઓની લાંબા ગાળાની કમાણીની ખાતરી આપતો નથી. આગામી પરિણામો માટે ક્રૂડના ભાવ, રિફાઇનિંગ માર્જિન, પેટ્રોલ-ડીઝલના વેચાણ પરનો નફો અને LPG સબસિડીની બાકી રકમ મહત્ત્વનાં પરિબળ રહેશે.

આ પણ વાંચો: GST Collection: દેશની અર્થવ્યવસ્થામાં મોટો બૂસ્ટ, GST કલેક્શનમાં મોટો ઉછાળો