દેશમાં આજે સોના-ચાંદી બંને કિમતી ધાતુમાં ભાવ વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સોનાના ભાવમાં રૂ.700નો વધારો થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં રૂ.2,500નો વધારો થયો હતો.
આ સાથે ચાંદી ઓલ ટાઈમ હાઈ ભાવ સપાટી જોવા મળી છે. ચાંદીના ભાવ રૂ.1,10,000 સુધી પહોંચ્યા છે. જ્યારે દિલ્હી સહિતના કેટલાક શહેરોમાં ચાંદીનો ભાવ રૂ.1,11,000 પ્રતિ કિલોગ્રામ નોંધાયા હોવાના અહેવાલ છે. શુક્રવારે ભારતમાં ચાંદીના ભાવ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા. દેશના અમુક ભાગમાં હાજર બજારમાં પ્રતિ કિલોગ્રામ રૂ.1.11 લાખનો આંકડો પાર થયો હતો. વૈશ્વિક વેપાર તણાવમાં વધારો અને યુએસ ફેડરલ રિઝર્વ તરફ્થી ઘટાડાની અપેક્ષાઓ વચ્ચે વેપારીઓએ સલામત ખરીદી વધારી હતી. તેના કારણે આ વધારો નોંધાયો હોવાનું માનવામાં આવે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદાના ભાવ શરૂઆતના કારોબારમાં પ્રતિ કિલોગ્રામ રૂ.1.10 લાખને પાર કરી ગયા હતા. જ્યારે ફિઝિકલ સ્પોટ માર્કેટમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ રૂ.111 અથવા રૂ.1,11,000ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જે ભારતમાં અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે.
