શેર બજારમાં ઘણી વખત કંપનીના નામને લઈને રોકાણકારોમાં ગેરસમજ સર્જાય છે અને તેના કારણે શેરોમાં અચાનક તેજી જોવા મળે છે. આવો જ એક તાજેતરનો કિસ્સો ત્યારે જોવા મળ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલી મુલાકાત દરમિયાન ત્યાંની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘Melody’ ટોફી ભેટ આપી હતી. આ પછી પારલે ઈન્ડસ્ટ્રીઝના શેરમાં અચાનક ખરીદી શરૂ થઈ ગઈ હતી, જ્યારે હકીકતમાં આ કંપનીનો Melody ટોફી સાથે કોઈ સંબંધ નહોતો.

કોવિડમાં આવી ઘટનાઓ બની હતી

હકીકતમાં Melody ટોફી પારલે પ્રોડક્ટસ બનાવે છે, પરંતુ નામની ગેરસમજના કારણે પારલે ઈન્ડસ્ટ્રીઝના શેરમાં અપર સર્કિટ લાગી ગઈ હતી. આ પ્રકારની ઘટનાઓ શેર બજારમાં અગાઉ પણ ઘણી વખત બની ચૂકી છે. કોવિડ સમયગાળા દરમિયાન Bombay Oxygen Investments Ltdના શેરમાં પણ આવી જ તેજી જોવા મળી હતી. તે સમયે ઓક્સિજનની અછત વચ્ચે રોકાણકારોએ ઓક્સિજન સંબંધિત કંપની સમજીને તેમાં રોકાણ કર્યું હતું, જ્યારે કંપનીએ ઓક્સિજન વ્યવસાય વર્ષો પહેલાં બંધ કરી દીધો હતો.

અન્ય ઘણા કિસ્સાઓ આ પ્રકારના બન્યા

એલન મસ્કના એક ટ્વીટના કારણે પણ Signal Advance Incના શેરમાં ભારે ઉછાળો આવ્યો હતો, જ્યારે તેનો Signal એપ સાથે કોઈ સંબંધ નહોતો. કોરોના સમય દરમિયાન Zoom Video Communicationsના બદલે Zoom Technologiesના શેરમાં પણ રોકાણકારો ગેરસમજના કારણે પૈસા લગાવી બેઠા હતા. ભારતમાં પણ 2025માં LG Electronics Indiaની લિસ્ટિંગ સમયે LG Balakrishnan & Brosના શેરમાં અચાનક તેજી જોવા મળી હતી.

જ્યારે બંને કંપનીઓ વચ્ચે કોઈ સંબંધ નહોતો. આ ઉપરાંત Eli Lilly and Companyને પણ ફેક ટ્વીટના કારણે મોટું નુકસાન થયું હતું, જેમાં ખોટી રીતે ઇન્સ્યુલિન ફ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ તમામ કિસ્સાઓ દર્શાવે છે કે શેર બજારમાં માત્ર નામ અને અફવાઓના આધારે રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : PM Modi In Italy: અમારો સંબંધ પરસ્પર વારસાનો છે, રોમમાં બોલ્યા પીએમ મોદી

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.