વૈશ્વિક સ્તર પર ભૌગોલિક-રાજકીય તણાવ હળવો થતાં જ આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી કટોકટી ધીમી પડતાં અને પુરવઠા અંગેની ચિંતાઓ દૂર થતાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર કડાકો નોંધાયો છે. ખાસ કરીને વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $109ના ઉચ્ચ સ્તરેથી ગગડીને $83 સુધી પહોંચી ગઈ છે. ટૂંકા ગાળામાં આવેલો આ આશરે 20 ટકાથી વધુનો ઘટાડો વૈશ્વિક અર્થતંત્ર માટે રાહતના સંકેત સમાન છે.

ક્રૂડ ઓઇલ થઇ શકે હજુ સસ્તુ ! 

બજારના વિશ્લેષકોના મતે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ થાળે પડવાની આશાને કારણે બજારમાં આ સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત એવી પ્રબળ સંભાવના છે કે આગામી સમયમાં ઈરાની તેલનો મોટો જથ્થો આંતરરાષ્ટ્રીય બજારમાં મુક્તપણે ઉપલબ્ધ થઈ શકે છે. જ્યારે બજારમાં તેલની આયાત વધશે અને પૂરતો સપ્લાય મળશે, ત્યારે કિંમતો પર સ્વાભાવિક રીતે દબાણ આવશે. આ જ ગણતરી સાથે રોકાણકારો પણ આગામી દિવસોમાં ક્રૂડ હજુ વધુ સસ્તું થવાના અંદાજો લગાવી રહ્યા છે.

ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર તેની અસર

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો સંતોષવા માટે આશરે 85 ટકા જેટલું ક્રૂડ ઓઇલ વિદેશથી મંગાવે છે. આથી જ, વૈશ્વિક સ્તરે થતી કોઈપણ વધઘટની સીધી અસર દેશના વેપાર ખાધ અને આયાત બિલ પર પડે છે. જ્યારે ક્રૂડ મોંઘું થાય ત્યારે સરકારી અને ખાનગી તેલ કંપનીઓનો ખર્ચ વધે છે, અને જ્યારે તે ઘટે ત્યારે દેશને મોટી આર્થિક રાહત મળે છે.


તો ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ 

જો બ્રેન્ટ ક્રૂડના ભાવ લાંબા સમય સુધી $80ની આસપાસ કે તેનાથી નીચે સ્થિર રહેશે, તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે નફાનું માર્જિન વધશે અને ખર્ચનો બોજ હળવો થશે. જો કે, ભારતમાં ઈંધણના ભાવ માત્ર કાચા તેલ પર આધારિત નથી હોતા, તેમાં ટેક્સ માળખું અને અન્ય સ્થાનિક પરિબળો પણ સામેલ છે. હાલમાં સત્તાવાર રીતે ભાવ ઘટાડાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો વૈશ્વિક મંદીનો આ ટ્રેન્ડ યથાવત રહેશે, તો આગામી સમયમાં ગ્રાહકોને મોંઘવારીમાંથી ચોક્કસપણે રાહત મળી શકે છે.


આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?