આજે ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. જોકે, તેના એક દિવસ પહેલા જ પ્રતિ બેરલ લગભગ $3.50નો મોટો ઘટાડો નોંધાયો હતો. આમ છતાં, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $100ની સપાટીથી ઉપર જળવાઈ રહ્યું છે. તેમ છતાં, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. નોંધનીય છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધઘટ હોવા છતાં, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મે મહિનાથી સ્થિર રહ્યા છે.

આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ

આજે, 22 સપ્ટેમ્બરના રોજ, દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ₹118.34 પ્રતિ લિટરના ભાવે મળી રહ્યું છે. ચિત્તૂરમાં ડીઝલનો ભાવ ₹106.06 પ્રતિ લિટર છે. બીજી તરફ, ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ ₹88.66 પ્રતિ લિટર અને ડીઝલ ₹84.56 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે.

દરમિયાન દિલ્હી (જે બેન્ચમાર્ક સ્થળ છે)માં પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹95.20 પ્રતિ લિટર છે. દિલ્હીની સરખામણીમાં ચિત્તૂરમાં પેટ્રોલ ₹16.22 પ્રતિ લિટર અને ડીઝલ ₹10.86 પ્રતિ લિટર વધુ મોંઘું છે. તેનાથી વિપરીત, પોર્ટ બ્લેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે ₹13.46 અને ₹10.64 પ્રતિ લિટર સસ્તા છે.

મંગળવારે ક્રૂડ ઓઇલનો ભાવ શું ?

મંગળવાર, 22 સપ્ટેમ્બરના રોજ ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રોમાં 9 ટકાથી વધુનો ઘટાડો નોંધાયા બાદ, આજે બ્રેન્ટ ક્રૂડ 0.53 ટકા વધીને $100.87 પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યું હતું. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 0.43 ટકા વધીને $96.19 પ્રતિ બેરલ થયું હતું. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ અરેબિયન ગલ્ફમાંથી ક્રૂડ ઓઈલનું લોડિંગ ફરી શરૂ કર્યું છે. આ સાથે જ, અમેરિકા-ઈરાન સંઘર્ષના સંભવિત અંત અંગે પણ નવા સંકેતો મળી રહ્યા છે.

હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) દ્વારા તેલની અવરજવરમાં વધારો

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઓઈલ માર્કેટ માટે એક મહત્વપૂર્ણ બાબત હોરમૂઝની સામુદ્રધુની સાથે સંબંધિત છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રાડ કૂપરે જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયામાં આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ દ્વારા ક્રૂડ ઓઈલ અને એલએનજી (LNG)ની અવરજવર છેલ્લા છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર 22 સપ્ટેમ્બરે) 



શહેર પેટ્રોલનો ભાવ (પ્રતિ લિટર) ડીઝલનો ભાવ (પ્રતિ લિટર)
દિલ્હી ₹102.12 ₹95.20
મુંબઈ ₹111.31 ₹97.97 
કોલકાતા ₹113.51 ₹99.82  
ચેન્નાઈ ₹107.78 ₹99.56
પટના ₹113.35 ₹99.36

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના અંદાજિત દરો(ગુડ રિટર્ન્સ અનુસાર 22 સપ્ટેમ્બરે ) 

શહેર પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ ₹101.83 ₹98.27 
ગાંધીનગર ₹102.04 ₹98.15 
રાજકોટ ₹101.57 ₹97.71
સુરત ₹101.82 ₹97.95 
વડોદરા ₹101.46 ₹97.57

ચાર વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા 

ઓઈલ કંપનીઓએ આ વર્ષે મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો, જે ચાર વર્ષમાં થયેલો આવો પ્રથમ વધારો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શરૂઆતમાં 15 મેના રોજ ભાવ વધાર્યા હતા અને ત્યારબાદ ત્રણ વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પરિણામે, સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹7.5 સુધીનો વધારો થયો હતો. આ પહેલાં, છેલ્લે 2022માં ભાવ વધારો થયો હતો.