આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર હવે ભારતીય પેટ્રોલિયમ બજાર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પરનું દબાણ સતત વધી રહ્યું છે, જેના પરિણામે મે મહિનાના અંત સુધીમાં ઈંધણના ભાવમાં અનેકવાર વધારો કરવામાં આવ્યો છે. 15 મે, 2026 થી શરૂ થયેલા ભાવ વધારાના સિલસિલામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર અંદાજે 7.50 સુધીનો વધારો થઈ ચૂક્યો છે.
દેશના મુખ્ય શહેરોમાં 31 મે, 2026 ના લેટેસ્ટ ભાવ
શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)
નવી દિલ્હી ₹102.12 ₹95.20
મુંબઈ ₹111.18 ₹97.83
કોલકાતા ₹113.51 ₹99.82
ચેન્નાઈ ₹107.85 ₹99.66
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના લેટેસ્ટ ભાવ (31 મે, 2026)
| શહેર | પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
| અમદાવાદ | ₹101.79 | ₹97.71 |
| ગાંધીનગર | ₹101.96 | ₹98.08 |
| રાજકોટ | ₹101.57 | ₹97.71 |
| સુરત | ₹102.84 | ₹98.96 |
| વડોદરા | ₹101.46 | ₹97.58 |
| ભાવનગર | ₹103.41 | ₹99.52 |
આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે?
બજારના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો નહીં થાય, તો આગામી જૂન મહિનામાં ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે તાલમેલ બેસાડવા માટે ભાવ વધારાની નીતિ અપનાવી રહી છે, જેનાથી સીધો બોજ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહ્યો છે. પરિવહન ખર્ચ વધવાને કારણે આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.
તમારા શહેરના ભાવ આ રીતે જાણો:
તમે નીચે મુજબની રીત અપનાવીને તમારા શહેરના લેટેસ્ટ ભાવ જાણી શકો છો:
IOCL: RSP <સેન્ટર કોડ> લખીને 92249 92249 પર SMS કરો.
HPCL: HPPRICE <સેન્ટર કોડ> લખીને 92222 01122 પર SMS કરો.
BPCL: RSP <સેન્ટર કોડ> લખીને 92231 12222 પર SMS કરો.