ઈરાન યુદ્ધને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ હજુ પણ વકરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય તણાવના કારણે વિશ્વભરમાં કાચા તેલ (Crude Oil) અને કુદરતી ગેસ (Natural Gas)ની ભારે અછત વર્તાઈ રહી છે. પરિસ્થિતિ થાળે પડવાના કોઈ સંકેત ન દેખાતા સોમવારે સવારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 1.95 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

1 જૂને પેટ્રોલ ડીઝલનો ભાવ 

જો કે, વૈશ્વિક સ્તરે વધી રહેલા દબાણ છતાં, ભારતીય જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે સોમવાર, 1 જૂન 2026ના રોજ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ચૂંટણી પૂરી થતાં જ 11 દિવસમાં 4 વખત ભાવવધારો

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સંપન્ન થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધવા લાગ્યો છે. તેલ કંપનીઓએ છેલ્લા 11 દિવસમાં જ ચાર વખત ઈંધણના ભાવમાં વધારો ઝીંક્યો છે:

  • 15 મે 2026: પેટ્રોલ રૂ. 3.00 અને ડીઝલ રૂ. 3.29 મોંઘું થયું.
  • 19 મે 2026: પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો.
  • 23 મે 2026: ફરી એકવાર પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા વધ્યું.
  • 25 મે 2026: પેટ્રોલમાં રૂ. 2.61 અને ડીઝલમાં રૂ. 2.71નો મોટો વધારો કરાયો.

દેશના 4 મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ ડીઝલનો  આજના ભાવ

સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે દેશના ચાર મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમત નીચે મુજબ છે


શહેરપેટ્રોલનો ભાવ (પ્રતિ લીટર)ડીઝલનો ભાવ (પ્રતિ લીટર)
દિલ્હી રૂ. 102.12 રૂ. 95.20
મુંબઈ રૂ. 111.21 રૂ. 97.83
કોલકાતા રૂ. 113.51 રૂ. 99.02
ચેન્નઈ રૂ. 107.77 રૂ. 99.55 

નોંધપાત્ર નુકસાન

કાચા તેલના આસમાને પહોંચેલા ભાવના કારણે સરકારી ઓઈલ કંપનીઓ પર આર્થિક બોજ વધ્યો છે. એક અંદાજ મુજબ, પેટ્રોલ, ડીઝલ, એલપીજી (LPG) અને જેટ ફ્યુઅલ પર કંપનીઓને રોજનું આશરે રૂ. 750 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.


યુદ્ધની સીધી અસર: કાચું તેલ 50% મોંઘું થયું

ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યા બાદથી વૈશ્વિક ઉર્જા બજાર ખોરવાઈ ગયું છે. છેલ્લા ત્રણ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આશરે 50 ટકા જેટલો તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે આગામી દિવસોમાં ભારતીય બજારમાં પણ ઈંધણના ભાવ વધુ ભડકે બળે તેવી આશંકા સેવાઈ રહી છે.