EPFOના કર્મચારીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.EPFO સબ્સ્ક્રાઇબર્સ હવે ATM દ્વારા તેમના EPF ખાતામાંથી સીધા પૈસા ઉપાડી શકશે. મળતી માહિતી અનુસાર આ સુવિધા જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે આગામી વર્ષોમાં, લાખો કર્મચારીઓ ATM કાર્ડનો ઉપયોગ કરીને તેમના EPF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.
ઓક્ટોબરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે
આ નિર્ણયને અમલમાં મૂકવા માટે, EPFO ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં મળશે. આ દરખાસ્તને આ બેઠકમાં મંજૂરી મળે તેવી શક્યતા છે. EPFO સંબંધિત કોઈપણ મોટા નિર્ણય માટે CBT ની મંજૂરી જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક પછી, જાન્યુઆરી 2026 થી સબ્સ્ક્રાઇબર્સ માટે ATM ઉપાડ ઉપલબ્ધ થશે.
ATM ઉપાડ કેવી રીતે મેળવવો?
અહેવાલો અનુસાર, EPFO તેના સબ્સ્ક્રાઇબર્સને એક ખાસ કાર્ડ જારી કરશે. આ કાર્ડ કર્મચારીઓને તેમના EPF ખાતામાં જમા કરાયેલા ભંડોળનો એક ભાગ ATMમાંથી ઉપાડવાની મંજૂરી આપશે.
EPFO પાસે કેટલું ફંડ છે?
EPFO ના પીએફ ફંડમાં હાલમાં ₹28 લાખ કરોડથી વધુ ભંડોળ છે, અને આશરે 7.8 કરોડ પીએફ સભ્યો તેમા યોગદાનઆપે છે. લગભગ એક દાયકા પહેલા, 2014માં પીએફ ફંડ માત્ર ₹7.4 લાખ કરોડ હતું, અને સભ્યોની સંખ્યા લગભગ 3.3 કરોડ હતી. આ આંકડા સ્પષ્ટપણે EPFO ના ઝડપી વિસ્તરણને દર્શાવે છે.
તાજેતરના ફેરફારો
આ વર્ષની શરૂઆતમાં, EPFO એ ઓટોમેટિક ક્લેમ સેટલમેન્ટ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી હતી. આનો અર્થ એ છે કે સબ્સ્ક્રાઇબર્સ હવે સિસ્ટમ-આધારિત પ્રક્રિયા દ્વારા સરળતાથી વધુ રકમનો દાવો કરી શકે છે.
સરકારનો ઉદ્દેશ્ય
શ્રમ મંત્રાલયએ કહ્યું કે EPFO સભ્યો હવે તેમના ભંડોળને વધુ સરળતાથી ઍક્સેસ કરી શકે છે. આ માટે, મંત્રાલયે બેંકો અને RBI સાથે પણ ચર્ચા કરી છે. ATM ઉપાડને એક જરૂરિયાત અને સુવિધા તરીકે જોવામાં આવી રહી છે.