કરોડો નોકરી કરનારા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે: હવે પ્રોવિડન્ટ ફંડ (PF) ની રકમ UPI દ્વારા ઉપાડવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. એક અહેવાલ મુજબ, આ નવી સુવિધાથી PF ફંડ ઉપાડવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ ઝડપી અને સરળ બની જશે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) તેના 'EPFO 3.0' પહેલ હેઠળ ડિસેમ્બરના અંત સુધીમાં UPI આધારિત PF ઉપાડની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. એકવાર આ સુવિધા અમલમાં આવી જાય, પછી સભ્યોએ પોતાની જ બચત મેળવવા માટે અઠવાડિયા સુધી રાહ જોવી નહીં પડે. તેના બદલે, તેઓ ATMમાંથી રોકડ ઉપાડતા હોય તે રીતે, મિનિટોમાં જ પોતાના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકશે. અહેવાલ મુજબ, 'EPFO 3.0' માટેના તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે અને પરીક્ષણ દરમિયાન આવેલી કોઈપણ તકનીકી ખામીઓને ઉકેલી લેવામાં આવી છે.
કેટલી રકમ ઉપાડી શકાય?
આ UPI આધારિત ઉપાડ સુવિધા 'EPFO 3.0'નો એક ભાગ છે, જે સંસ્થા દ્વારા કરવામાં આવેલું એક મોટું ટેકનોલોજી અપગ્રેડ છે. શરૂઆતમાં એવી અપેક્ષા હતી કે આ સુવિધા ફેબ્રુઆરી 2027માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની આગામી બેઠક સાથે શરૂ કરવામાં આવશે, પરંતુ હવે નવા અહેવાલો સૂચવે છે કે તે ડિસેમ્બર સુધીમાં જ આવી શકે છે. 'EPFO 3.0' હેઠળ, સભ્યો આ સુવિધાનો લાભ ત્યારે જ લઈ શકશે જો તેમનું વેરિફાઈડ બેંક એકાઉન્ટ તેમના EPFO એકાઉન્ટ સાથે લિંક થયેલું હોય. આ સુવિધા સભ્યના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને તેમના UPI એકાઉન્ટ સાથે જોડાયેલી હશે.
અહેવાલો અનુસાર, સભ્યોને તેમના EPF ફંડના 75% સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપવા અંગે ચર્ચા થઈ હતી. વધુમાં, 19 નવેમ્બરે યોજાયેલી બોર્ડની બેઠકમાં, EPFOએ PF ખાતાઓમાં ફરજિયાત લઘુત્તમ બેલેન્સની મર્યાદા 25% થી ઘટાડીને 10% કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ ઉપરાંત આંશિક ઉપાડ (partial withdrawal) માટેની મર્યાદા પણ ખાતામાં રહેલી રકમના 75% થી વધારીને 90% કરવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
13 ને બદલે 3 કેટેગકરી
EPFO એ આંશિક ઉપાડ (partial withdrawals) અંગેના હાલના 13 નિયમોને એકત્રિત કરીને ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વહેંચ્યા છે:
આવશ્યક જરૂરિયાતો (જેમ કે તબીબી સારવાર, શિક્ષણ અને લગ્ન)
રહેઠાણ સંબંધિત જરૂરિયાતો (ઘર ખરીદવું કે બાંધકામ કરવું, અથવા હોમ લોનની ચુકવણી કરવી)
વિશેષ સંજોગો (બેરોજગારી અથવા અન્ય કટોકટીની પરિસ્થિતિઓ)
અગાઉથી તૈયારી રાખો
આ નવી સુવિધાનો લાભ લેવા માટે, સભ્યોએ તેમનું UAN એક્ટિવ રાખવું જોઈએ, તેમનું KYC (આધાર અને PAN) પૂર્ણ છે કે નહીં તે સુનિશ્ચિત કરવું જોઈએ અને EPFO પોર્ટલ પર તેમનું બેંક ખાતું સાચા IFSC કોડ સાથે અપડેટ થયેલું છે કે કેમ તેની ચકાસણી કરી લેવી જોઈએ.
આ પણ વાંચો: UP Election: સપા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન..! સીટ વહેંચણીને લઈને સસ્પેન્સ અકબંધ, જાણો UP કોંગ્રેસ અધ્યક્ષે શું કહ્યું?
