આજના સમયમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ હજુ પણ દેશમાં મોટી સંખ્યામાં એવા લોકો છે, જેમની પાસે સ્માર્ટફોન અથવા સારી ઇન્ટરનેટ સુવિધા નથી. જો તમારી પાસે પણ સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટની સુવિધા ન હોય તો પણ તમે UPI દ્વારા પૈસા મોકલી અને મેળવી શકો છો. તેના માટે PhonePeએ UPI 123PAY સર્વિસ શરૂ કરી છે, જે ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ડિજિટલ પેમેન્ટની સુવિધા આપશે.
PhonePeની UPI 123PAY સર્વિસનો મુખ્ય હેતુ એવા કરોડો લોકો સુધી ડિજિટલ પેમેન્ટની સુવિધા પહોંચાડવાનો છે, જે હજુ પણ ફીચર ફોનનો ઉપયોગ કરે છે અથવા જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી છે.
શું છે PhonePe UPI 123PAY સર્વિસ?
UPI 123PAY એક એવી સુવિધા છે, જેની મદદથી હવે ફીચર ફોન વાપરતા લોકો પણ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના માટે યુઝર્સને સ્માર્ટફોન અથવા હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે. આવી સ્થિતિમાં યુઝર્સ પોતાના મોબાઇલ નંબર અથવા UPI ID દ્વારા અન્ય વ્યક્તિને પૈસા મોકલી શકશે. આ ઉપરાંત વેપારીઓને QR કોડ અને UPI ID દ્વારા પણ પેમેન્ટ કરવાની સુવિધા મળશે. આ સર્વિસની મદદથી તમે બેંક બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીની માહિતી પણ ચેક કરી શકશો.
ઇન્ટરનેટ વગર કેવી રીતે કામ કરશે?
PhonePeની UPI 123PAY સર્વિસ SMS આધારિત ટેક્નોલોજી પર કામ કરે છે, જેને ઓછી સ્પીડવાળા ઇન્ટરનેટ અથવા 2G નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં પણ સરળતાથી વાપરી શકાય છે. PhonePeની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ફીચર ફોન વાપરતા લોકોને માત્ર કેટલાક સરળ સ્ટેપ્સ પૂરા કરવા પડશે.
તમારા ફોનમાં PhonePeની એપ ખોલો, તેની અંદર નિયમો અને શરતો સ્વીકારો, એ પછી તમારું બેંક એકાઉન્ટ પસંદ કરો. ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંક અને એક્સપાયરી ડેટ દાખલ કરો. આટલું કર્યા બાદ UPI PIN ક્રિએટ થશે. UPI બનાવીને તમારી UPI ID એક્ટિવેટ કરો. એના પછી યુઝર સ્માર્ટફોન વગર પણ પેમેન્ટ કરી શકશે.
UPI 123PAYમાં મળશે આ સુવિધાઓ
UPI 123PAYમાં વપરાશકર્તાને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળશે. આ ઉપરાંત બેંક બેલેન્સ ચેક કરવાની સુવિધા તેમજ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોવાની પણ સુવિધા તેમને મળશે.
કયા લોકોને સૌથી વધુ ફાયદો થશે?
એવા લોકો કે જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જ્યાં ઇન્ટરનેટની સુવિધા ખૂબ નબળી હોય એવા ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરોમાં રહેતા લોકોને આ સુવિધાથી ખાસ ફાયદો થશે. આ સાથે જ એવા લોકો કે જે તેમના ફોનમાં ડિજિટલ પેમેન્ટ શરૂ કરવા માંગે છે, પરંતુ તેમને ટેક્નિકલ માહિતી ઓછી છે, એમને પણ આ સુવિધા ફાયદાકારક નીવડશે.