ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ ફિઝિક્સવાલાનો IPO 1.92 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખેલો હિસ્સો 2.86 ગણો, નોન ઈન્સ્ટીટ્યૂશનલ રોકાણકારો માટે રિઝર્વ રાખેલો હિસ્સો 0.51 ગણો અને રિટેલ રોકાણકારો માટે અનામત રાખેલો હિસ્સો 1.14 ગણો સબ્સ્ક્રાઈબ થયો છે. કર્મચારીઓ માટે રિઝર્વ રાખેલો હિસ્સો 3.71 ગણો સબ્સ્ક્રાઈબ થયો. કંપની હવે 18 નવેમ્બરના રોજ BSE અને NSE પર લિસ્ટિંગની રાહ જોઈ રહી છે.

28.44 કરોડ નવા શેર જાહેર કરાશે

ગ્રે માર્કેટના સંકેતોના આધારે ફિઝિક્સવાલાના શેર હાલમાં ₹8 અથવા 7.34 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. ગ્રે માર્કેટ એક અનધિકૃત બજાર છે જ્યાં કંપનીના શેર લિસ્ટિંગ સુધી ટ્રેડ થાય છે. કંપનીએ તેના IPO પહેલા એન્કર રોકાણકારો પાસેથી ₹1,562.85 કરોડ એકત્ર કર્યા હતા.ફિઝિક્સવાલાના IPO માટે પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર રૂ. 103-109 હતો. રૂપિયા 3,480 કરોડના IPOમાં રૂપિયા 3,100 કરોડના મૂલ્યના 28.44 કરોડ નવા શેર જાહેર કરવાનો સમાવેશ થતો હતો. રૂપિયા 380 કરોડના મૂલ્યના 3.49 કરોડ શેરની વેચાણ માટેની ઓફર પણ હતી.

કોણ છે કંપનીના માલિક?

ફિઝિક્સવાલાના સ્થાપકો અલખ પાંડે અને પ્રતીક બૂબ છે. વેસ્ટબ્રિજ કેપિટલ LLP અને હોર્નબિલ કેપિટલ પાર્ટનર્સનું પણ કંપનીમાં રોકાણ છે. ફિઝિક્સવાલાએ માર્ચ 2025માં ગોપનીય માર્ગ દ્વારા તેનો ડ્રાફ્ટ IPO સબમિટ કર્યો હતો. તેને જુલાઈમાં SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ કંપનીએ સપ્ટેમ્બર 2025માં અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સબમિટ કર્યો હતો.

IPOના પૈસા કયા કયા વાપરવામાં આવશે?

ફિઝિક્સવાલા IPOમાં નવા શેર જાહેર કરીને એકત્ર કરાયેલા ભંડોળમાંથી માર્કેટિંગ પહેલ પર રૂપિયા 710 કરોડ, હાલના ઑફલાઈન અને હાઇબ્રિડ કેન્દ્રો માટે લીઝ ચુકવણી પર રૂપિયા 548 કરોડ, નવા કેન્દ્રો પર મૂડી ખર્ચ માટે રૂપિયા 460 કરોડ અને પેટાકંપની ઝાયલેમ લર્નિંગ પ્રા. લિ.માં રોકાણ માટે રૂ. 471 કરોડ ખર્ચવામાં આવશે. કંપનીએ જૂન 2025 ક્વાર્ટરમાં ₹152 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું, જે એક વર્ષ અગાઉના ₹102.2 કરોડ હતું. જોકે, જૂન 2025 ક્વાર્ટરમાં આવક વાર્ષિક ધોરણે 33.3% વધીને ₹847 કરોડ થઈ ગઈ. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025 માટે કંપનીનું નુકસાન ઘટીને ₹225.8 કરોડ થયું, જ્યારે આવક 48.7% વધીને ₹2,886.6 કરોડ થઈ.

ડિસ્કલેમર: શેરબજારમાં રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. સંદેશ ન્યુઝ કોઈ પણ પ્રકારના રોકાણ માટે પ્રોત્સાહિત કરતું નથી.