પોસ્ટ ઓફિસની યોજનાઓ ભારતભરમાં તેમની સુરક્ષા અને વિશ્વસનીયતા માટે જાણીતી છે. ખાસ કરીને નિવૃત્તિ પછી નાણાકીય સ્થિરતા જાળવવા ઈચ્છતા લોકો માટે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં નિયમિત આવક, ઊંચું વ્યાજ અને સરકારની ગેરંટી મળે છે.
SCSS યોજનાની સૌથી મોટી વિશેષતા
SCSS યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે આ સંપૂર્ણ રીતે જોખમ-મુક્ત સરકારી યોજના છે. કારણ કે આ યોજના સીધી રીતે ભારત સરકાર દ્વારા સંચાલિત છે, એટલે તેમાં રોકાણ કરનારને પોતાના પૈસાની સલામતી અંગે કોઈ ચિંતા રહેતી નથી. હાલ સરકાર આ સ્કીમ પર 8.2 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે, જે ઘણી બેંક FD કરતા વધારે છે.
યોજનામાં રોકાણ ફક્ત રૂ. 1,000 થી શરૂ
આ યોજનામાં રોકાણ ફક્ત રૂ. 1,000 થી શરૂ કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણ મર્યાદા એકલ ખાતા માટે રૂ. 15 લાખ અને સંયુક્ત ખાતા માટે રૂ. 30 લાખ રાખવામાં આવી છે. ખાતું 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે. જો કોઈ વ્યક્તિએ VRS લીધું હોય, તો 55 થી 60 વર્ષની ઉંમરે પણ ખાતું ખોલી શકાય છે. નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ માટે પણ ઉંમરમાં વિશેષ છૂટછાટ આપવામાં આવે છે.
80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની કર મુક્તિ
SCSS યોજનામાં રોકાણ કરવાથી આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની કર મુક્તિ પણ મળે છે, જેનાથી રોકાણ વધુ ફાયદાકારક બને છે. આ યોજના ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે, જેમને નિવૃત્તિ પછી દર મહિને સ્થિર આવકની જરૂર હોય. આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે, જેને એકવાર વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. રોકાણ પર મળતું વ્યાજ દર ત્રણ મહિને સીધું ખાતામાં જમા થાય છે. જો મેચ્યોરિટી પહેલાં ખાતું બંધ કરવામાં આવે, તો નિયમો મુજબ થોડો દંડ લાગુ પડે છે.
હવે વાત કરીએ કે દર મહિને ₹20,500 કેવી રીતે મળી શકે?
જો કોઈ વરિષ્ઠ નાગરિક SCSS સંયુક્ત ખાતામાં ₹30 લાખનું રોકાણ કરે છે, તો તેમને વાર્ષિક 8.2% મુજબ ₹2,46,000 વ્યાજ મળે છે. આ વ્યાજ દર ત્રણ મહિને ₹61,500 તરીકે ચૂકવવામાં આવે છે, જે માસિક ગણતરીમાં આશરે ₹20,500 થાય છે.
યોજનાનો એક વધુ મોટો ફાયદો
આ યોજનાનો એક વધુ મોટો ફાયદો એ છે કે એકવાર ખાતું ખોલ્યા પછી વ્યાજ દર લોક થઈ જાય છે, એટલે ભવિષ્યમાં સરકાર વ્યાજ દરમાં ફેરફાર કરે તો પણ તમારા ખાતા પર તે અસર કરતી નથી. પોસ્ટ ઓફિસની SCSS યોજના નિવૃત્તિ પછી આરામદાયક, સુરક્ષિત અને નિયમિત આવક મેળવવા માટે એક શ્રેષ્ઠ સરકારી વિકલ્પ છે.
આ પણ વાંચો :: આ વર્ષે Char Dham Yatra યાત્રા ક્યારે શરૂ થશે? જાણો કેદારનાથ અને બદ્રીનાથના દરવાજા ખોલવાની તારીખ