ભારતમાં ફુગાવો સતત વધી રહ્યો છે અને આ વલણના ભાગરૂપે ચોખાના ભાવમાં 10% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. પરિણામે, એવો અંદાજ છે કે 2027 સુધીમાં ભારતની ચોખાની નિકાસમાં 4%નો ઘટાડો થઈ શકે છે.

શાકભાજી, કઠોળથી લઇને ચોખા ખાંડના ભાવ વધ્યા 

મધ્ય પૂર્વમાં તણાવ શરૂ થયાના થોડા જ સમયમાં તેની અસર ભારતમાં વર્તાવા લાગી હતી, જેનાથી દેશમાં સતત ફુગાવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે, જેના કારણે શાકભાજી અને કઠોળથી લઈને ચોખા અને ખાંડ જેવી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ખાંડ અને કઠોળ બાદ હવે ચોખાના ભાવમાં પણ 10%નો વધારો થયો છે, જેનાથી નિકાસ સંકટની શક્યતા અંગે ચિંતા ઊભી થઈ છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર  (USDA) ના અહેવાલ મુજબ, 2027 સુધીમાં ભારતની ચોખાની નિકાસ લગભગ 4% ઘટીને 24 મિલિયન ટન થઈ શકે છે. આ ઘટાડા પાછળ ઓછું ઉત્પાદન અને વધતા સ્થાનિક ભાવ મુખ્ય કારણો માનવામાં આવે છે. આ સ્થિતિ ભારત પાસેથી ચોખાની આયાત કરતા દેશોને પણ અસર કરી શકે છે.


આ સ્થિતિ કેવી રીતે સર્જાઈ?

'ધ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, નબળા ચોમાસા અને ડાંગરની ખેતીમાં ઘટાડાની અસર ચોખાના ઉત્પાદન પર પડવાની શક્યતા છે. ભારતનું ચોખાનું ઉત્પાદન 2025-26 પાક વર્ષમાં લગભગ 154 મિલિયન ટન હતું, જે તેને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બનાવે છે.

જોકે, USDAના અંદાજો સૂચવે છે કે2026-27માં ચોખાનું ઉત્પાદન 4.5% ઘટીને લગભગ 147 મિલિયન ટન થઈ શકે છે. જો આવું થાય, તો 2015-16  પછી આ પ્રથમ વખત હશે જ્યારે ભારતના વાર્ષિક ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોય.

દેશમાં ચોખાના ભાવમાં વધારો

ચોખાના ઉત્પાદનમાં ઘટાડાના અહેવાલો વચ્ચે સ્થાનિક બજારમાં પણ ભાવ વધી રહ્યા છે. રવિવારે ચોખાનો સરેરાશ છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ ₹૪૬.૯૨ સુધી પહોંચી ગયો હતો. આ ભાવ એક વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ 10% વધારે છે. પ્રીમિયમ નોન-બાસમતી ચોખાની જાતો - જેમ કે સોના મસૂરી, પોન્ની અને સ્વર્ણ - ના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં 10% થી 25%નો વધારો થયો છે.

તમિલનાડુમાં પણ ચોખાના ભાવમાં વધારો થયો છે. ત્યાં, માત્ર 10 દિવસમાં જ સુપરફાઈન ચોખાની 26 કિલોની થેલીનો ભાવ ₹1720થી વધીને ₹1950  થઈ ગયો, જ્યારે સામાન્ય ફાઈન ચોખાની થેલીનો ભાવ ₹1500 થી વધીને ₹1640  થયો.