નોકરીનું મહત્વ દરેક વ્યક્તિ માટે ખૂબ જ વધારે હોય છે, પરંતુ ટેકનોલોજી ક્ષેત્રે ચાલી રહેલી મંદી વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વની અગ્રણી સ્માર્ટફોન ચિપ નિર્માતા કંપની ક્વોલકોમ (Qualcomm) તેના વૈશ્વિક વર્કફોર્સમાં મોટો ઘટાડો કરવા જઈ રહી છે. કંપનીના આ નિર્ણયથી વિશ્વભરના હજારો કર્મચારીઓ પર નોકરી ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

CEO એ મેમો મોકલીને કર્મચારીઓને આપી જાણ

કંપનીના સીઈઓ (CEO) ક્રિસ્ટિયાનો એમોને લગભગ 52,000 જેટલા કર્મચારીઓને એક ખાસ મેમો મોકલીને આ છટણી અંગેની માહિતી આપી છે. મેમો મુજબ, ટૂંક સમયમાં જ પ્રભાવિત કર્મચારીઓને નોટિસ મળવાની શરૂઆત થઈ જશે.

નવેમ્બર મહિનાથી શરૂ થશે છટણીની પ્રક્રિયા

કંપનીના કર્મચારીઓને આગામી મહિના એટલે કે નવેમ્બરથી છટણી અંગે સત્તાવાર માહિતી મળવાનું શરૂ થઈ જશે. નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2025 સુધીના આંકડા અનુસાર ક્વોલકોમમાં વિશ્વભરમાં લગભગ 52,000 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા.

કેટલા કર્મચારીઓ ગુમાવશે નોકરી?

અહેવાલો અનુસાર, ક્વોલકોમે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે કુલ કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવશે. જોકે, સીઈઓએ સ્પષ્ટ કર્યું છે કે છટણીનો નિર્ણય કર્મચારીઓની કામગીરી (Performance) અને કંપનીની વર્તમાન જરૂરિયાતોના આધારે લેવામાં આવશે.

ચિપની ઘટેલી માંગ અને મોંઘવારી મુખ્ય કારણ

ક્વોલકોમમાં છટણી પાછળનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના નબળા વેચાણ અને મેમરી પ્રોડક્ટ્સના ભાવમાં થયેલો વધારો છે. સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ બજારમાં મંદીના કારણે ચિપ્સની વૈશ્વિક માંગ પર ભારે અસર પડી છે, જેના કારણે કંપનીને પોતાની કામગીરી અને ખર્ચમાં સુધારો કરવાની ફરજ પડી છે.

કંપનીને હવે નવા કૌશલ્ય (Skills) ધરાવતા લોકોની જરૂર

સીઈઓ ક્રિસ્ટિયાનો એમોનના જણાવ્યા મુજબ, આ નિર્ણય કંપનીના વર્કફ્લો અને ઓપરેશનલ એફિશિયન્સીને સુધારવા માટે લેવામાં આવ્યો છે. જે વિભાગોમાં કામગીરી અપેક્ષા મુજબ નથી થઈ રહી ત્યાં ફેરફારો કરવામાં આવશે. આ ઉપરાંત, જેમ જેમ બિઝનેસ નવી ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે, તેમ કંપનીને હવે નવા કૌશલ્ય અને આધુનિક કુશળતા ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થઈ છે.


આ પણ વાંચો : Auto News: નવરાત્રિ-દશેરા પર વાહન ખરીદનારાઓ માટે ખુશખબર; ઓક્ટોબરમાં મળી રહ્યું છે રૂ.3.35 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ!