ટ્રેન દ્વારા બીજા શહેરમાં સામાન મોકલવો સસ્તો અને સુરક્ષિત તો હોય છે, પરંતુ રેલવે સ્ટેશનના ધક્કા ખાવા અને ત્યાંની લાંબી કાગળની કાર્યવાહી લોકોને પરેશાન કરી દે છે. સામાન્ય લોકોની આ જ મુશ્કેલીને દૂર કરવા માટે ભારતીય રેલવેએ એક મોટું પગલું ભર્યું છે. રેલવે પોતાની સેવાઓનો વ્યાપ વધારીને ટૂંક સમયમાં જ ડોર-ટુ-ડોર પાર્સલ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. તેનો સીધો અર્થ એ છે કે હવે તમારો સામાન તમારા ઘરેથી લેવામાં આવશે અને જે સરનામે મોકલવો છે, ત્યાં સીધો પહોંચાડી દેવામાં આવશે. આ યોજનાનો પાયલોટ રન સફળ રહ્યો છે, ત્યારબાદ તેને મોટા પાયે લાગુ કરવાની તૈયારી પૂરી થઈ ગઈ છે.

૮ શહેરોમાં રેલવે પાર્સલ સુવિધા

એક અહેવાલ મુજબ, રેલવેએ આ ખાસ સુવિધા માટે 'રેલ પાર્સલ એપ - ઘર સે ઘર તક' તૈયાર કરી છે. શરૂઆતમાં આ સેવા દેશના આઠ પ્રમુખ શહેરોમાં શરૂ કરવામાં આવી રહી છે, જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ અને પુણે સામેલ છે. આ શહેરોમાં રહેતા લોકો આ મોબાઇલ એપ દ્વારા ઘરે બેઠા પોતાના પાર્સલના પિકઅપ અને ડિલિવરીની બુકિંગ કરી શકશે. આ એપને એક ડિજિટલ માર્કેટપ્લેસ તરીકે બનાવવામાં આવી છે, જે ગ્રાહકોને સીધા ચૂંટેલી લોજિસ્ટિક્સ કંપનીઓ સાથે જોડશે. ગ્રાહકો એપ પર જ બુકિંગ કરી શકશે અને ત્યાંથી જ ઓનલાઈન પેમેન્ટ પણ થઈ જશે. આનાથી લોકોને પાર્સલ લઈને રેલવે સ્ટેશનના પરિસરમાં જવાની કે જૂની પદ્ધતિથી ફોર્મ ભરવાની જરૂર નહીં પડે.

પિકઅપથી ડિલિવરી સુધી કેવી રીતે કામ કરશે આ નવી વ્યવસ્થા?

આ નવી વ્યવસ્થા હેઠળ રેલવેએ સમગ્ર કામગીરીને બે ભાગમાં વહેંચી છે. ગ્રાહકના ઘરેથી સામાન લઈ જવાની અને જે શહેરમાં સામાન પહોંચાડવાનો હોય ત્યાંના રેલવે સ્ટેશનથી ગ્રાહકના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લોજિસ્ટિક્સ પાર્ટનર્સની રહેશે. બીજી તરફ, એક રેલવે સ્ટેશનથી બીજા રેલવે સ્ટેશન સુધી ટ્રેન મારફતે સામાન પહોંચાડવાની જવાબદારી ભારતીય રેલવે સંભાળશે.આ ઉપરાંત, લોજિસ્ટિક્સ પાર્ટનર્સ ગ્રાહકોને સામાનના પેકિંગ સહિતની અન્ય જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડી શકશે.

પાર્સલ બુકિંગ માટે સમયમર્યાદા નક્કી

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ઘરેથી ઘર સુધી પાર્સલ પહોંચાડવાની સુવિધા માટે ટ્રેનના નિર્ધારિત ઉપડવાના સમયના 15 દિવસ પહેલાં બુકિંગ શરૂ થઈ જશે. ગ્રાહકો ટ્રેન ઉપડવાના એક દિવસ પહેલાં સુધી પોતાનું પાર્સલ બુક કરાવી શકશે. બીજી તરફ, ઘરેથી સામાન લઈ જવાની જવાબદારી સંભાળતા લોજિસ્ટિક્સ પાર્ટનર્સને ટ્રેન ઉપડવાના એક કલાક પહેલાં સુધી સામાન રેલવેના કર્મચારીઓને સોંપવાની છૂટ આપવામાં આવી છે. આ વ્યવસ્થાથી સામાન ઝડપથી અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડી શકાશે.

બુકિંગ રદ કરાવવા પર રિફંડના નિયમો

જો કોઈ કારણસર ગ્રાહકને પોતાનું પાર્સલ બુકિંગ રદ કરાવવું પડે, તો તેના માટે પણ રેલવેએ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. જો લોજિસ્ટિક્સ પાર્ટનર દ્વારા સામાન લઈ જવામાં આવે તે પહેલાં બુકિંગ રદ કરવામાં આવે, તો રેલવે માત્ર 10 રૂપિયાનો ક્લાર્કેજ ચાર્જ કાપશે અને બાકીની સંપૂર્ણ રેલવે ભાડાની રકમ ગ્રાહકને પરત કરવામાં આવશે. જોકે, ઘરેથી સામાન લઈ જવા અને તેની ડિલિવરી માટે ચૂકવવામાં આવેલા ચાર્જનું રિફંડ સંબંધિત લોજિસ્ટિક્સ કંપનીની નીતિ મુજબ નક્કી કરવામાં આવશે. બુકિંગ કરાવતી વખતે જ ગ્રાહકોને આ તમામ નિયમો અને શરતોની જાણ કરવામાં આવશે.

વેપારીઓને મોટી રાહત, માલભાડામાં 25% ડિસ્કાઉન્ટ

દિવાળી અને ક્રિસમસના તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે આ મહિનાની શરૂઆતમાં વેપારીઓને પણ મોટી રાહત આપી છે. તહેવારો પહેલાં વેપારીઓ મોટા પ્રમાણમાં માલની હેરફેર કરતા હોય છે. આને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પાર્સલ કોચના આવવા-જવાના ભાડામાં ખાસ ડિસ્કાઉન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. રેલવેના એક પરિપત્ર મુજબ, હવે પાર્સલ એગ્રીગેટર્સ એક તરફના ભાડાના માત્ર 1.5 ગણા ભાડામાં આવવા-જવાની (રાઉન્ડ ટ્રિપ) બુકિંગ કરાવી શકશે. આ નવી વ્યવસ્થાને કારણે કુલ માલભાડામાં સીધો 25 ટકાનો ઘટાડો થયો છે. જોકે, રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ તમામ પ્રકારનાં સામાન્ય પાર્સલ બુકિંગ પર એકસમાન રીતે લાગુ નહીં પડે. આ રાહત માત્ર પાર્સલ કોચની રાઉન્ડ-ટ્રિપ બુકિંગ માટે જ ઉપલબ્ધ રહેશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d