પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ (BSE: 544291) ને સોમવારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) તરફથી રૂ. 471.92 કરોડના (કરવેરા સહિત) મોટા ટર્નકી કોન્ટ્રાક્ટ્સ પ્રાપ્ત થયા છે. સમગ્ર ગુજરાતમાં વીજ વિતરણ નેટવર્કને વધુ મજબૂત અને આધુનિક બનાવવાના ભાગરૂપે આ ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઓર્ડર મળતાંની સાથે જ કંપનીની કુલ ઓર્ડર બુકમાં એક જ તબક્કામાં 10 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે અને કુલ ઓર્ડર બુક રૂ. 4,000 કરોડની સપાટી નજીક પહોંચી ગઈ છે.
18મહિનામાં કામગીરી પૂર્ણ કરાશે
આ પ્રોજેક્ટ એમજીવીસીએલની એસઆઈ સ્કીમ રોબસ્ટ-3 હેઠળ 18 મહિનામાં હાથ ધરવામાં આવશે. કોન્ટ્રાક્ટ હેઠળ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હયાત 11kV ની હાઈ ટેન્શન ઓવરહેડ લાઈનોને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કન્ડક્ટર (MVCC) લાઈનોમાં ફેરવવામાં આવશે. આ સાથે જ સલામત વીજ પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ કેબલનું મજબૂત નેટવર્ક પણ ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી કંપનીને આગામી 18 મહિના સુધી પ્રોજેક્ટ અમલીકરણની સ્પષ્ટ વિઝિબિલિટી મળી રહેશે.
