રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ) ના સંચાલનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. 16 ઓક્ટોબરથી અમલમાં આવેલા નવા નિયમ મુજબ, તમામ બેંકોએ દરરોજ તેમની નિર્ધારિત રોકડ અનામત (CRR) નો મોટો હિસ્સો RBI પાસે જાળવી રાખવો પડશે. આ ફેરફારનો મુખ્ય હેતુ નાણાકીય સિસ્ટમમાં વધારાની રોકડને વધુ અસરકારક રીતે નિયંત્રિત કરવાનો છે.
RBIનો નવો CRR નિયમ શું છે?
RBI દ્વારા બેંકો માટે દૈનિક કેશ રિઝર્વ રેશિયો (CRR) ની આવશ્યકતાઓને કડક બનાવવામાં આવી છે. નવા નિયમ મુજબ, બેંકોએ 15 દિવસના સમયગાળા (Fortnight) દરમિયાન દરરોજ તેમના કુલ જરૂરી CRR ના ઓછામાં ઓછા ૯૯% ભાગ જાળવી રાખવો પડશે. આ પહેલાં બેંકોને કોઈપણ દિવસે જરૂરી અનામતના માત્ર 90% જાળવવાની છૂટ હતી, અને તેઓ બાકીના દિવસોમાં વધુ રકમ જમા કરાવીને સરેરાશ બેલેન્સ પૂરું કરી શકતા હતા.
નોંધનીય છે કે RBI એ બેઝ CRR રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. માત્ર દૈનિક ધોરણે જાળવવાની ટકાવારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સામાન્ય ગ્રાહકોના ખાતાઓ પર શું અસર પડશે?
નવા નિયમથી સામાન્ય બેંક ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. ખાતાના નાણાં પર કોઈ સીધી અસર નહીં થાય. આ નિર્ણયથી ગ્રાહકોના બેંક ખાતામાં જમા રકમ પર કે બેલેન્સ પર કોઈ સીધી વિપરીત અસર પડશે નહીં. RBI એ ગ્રાહકોના ખાતામાંથી પૈસા કાપવા અંગે કોઈ નવો નિયમ બનાવ્યો નથી. જોકે, સિસ્ટમમાં રોકડ પ્રવાહની સ્થિતિ બદલાવાથી ભવિષ્યમાં બેંકોના ફંડિંગ કોસ્ટ અને ધિરાણ (લોન આપવાની) ક્ષમતા પર આંશિક અસર પડી શકે છે.
દેશની બેંકો પર આ નિર્ણયની શું અસર થશે?
નવા નિયમના કારણે હવે બેંકોએ તેમની દૈનિક રોકડ સ્થિતિનું વધુ ચોકસાઈથી સંચાલન કરવું પડશે. હવે બેંકો કોઈપણ દિવસે ઓછી રકમ રાખીને પછીના દિવસોમાં કવર કરી શકશે નહીં. બેંકોએ દરરોજ પોતાના કેશ ફ્લો પર નજીકથી નજર રાખવી પડશે, જેથી 99% ના નિયમનું ઉલ્લંઘન ન થાય. આ નિયમની વાસ્તવિક અસર દરેક બેંકની પોતાની વર્તમાન રોકડ સ્થિતિ અને દૈનિક નાણાકીય સંચાલન પર આધાર રાખશે.
આ પણ વાંચો : Pakistan Economic Crisis: ગરીબ પાકિસ્તાન હવે 2027માં સંભાળશે IMF-વર્લ્ડ બેંકની કમાન અને નિભાવશે મહત્વપૂર્ણ જવાબદારી