ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની મહત્વની ત્રણ દિવસીય બેઠક સોમવારથી શરૂ થઈ છે. વર્તમાન નાણાકીય વર્ષની આ પ્રથમ દ્વિમાસિક સમીક્ષા બેઠક છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા અને વધતી મોંઘવારીની આશંકાઓ વચ્ચે યોજાઈ રહી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી છ સભ્યોની સમિતિ આ બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત આગામી બુધવારે (8 એપ્રિલ) સવારે 10 વાગ્યે કરશે.
વ્યાજદરમાં ફેરફારની કેટલી શક્યતા?
આર્થિક નિષ્ણાતોના મતે, આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2025 થી અત્યાર સુધીમાં RBI એ વ્યાજદરમાં કુલ 1.25 ટકાનો ઘટાડો કર્યો છે, જે વર્ષ 2019 પછીનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. છેલ્લે ડિસેમ્બર મહિનામાં દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, વર્તમાન પરિસ્થિતિને જોતા કેન્દ્રીય બેંક 'રાહ જુઓ અને જુઓ'ની નીતિ અપનાવી શકે તેમ છે.
મોંઘવારી અને વૈશ્વિક પડકારો
બેઠકમાં મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને તેની ક્રૂડ ઓઈલના ભાવ પર પડતી અસર અંગે ચર્ચા કરવામાં આવશે.
ક્રૂડ ઓઈલની અસર: કાચા તેલની કિંમતો જે અગાઉ 60 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી, તે હવે વધીને 100 ડોલરને પાર કરી ગઈ છે. અંદાજ મુજબ, કાચા તેલના ભાવમાં દર 10 ડોલરનો વધારો છૂટક મોંઘવારીમાં 0.60 ટકાનો વધારો કરી શકે છે.
રૂપિયાનું અવમૂલ્યન: આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાના મૂલ્યમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે આયાતી વસ્તુઓ મોંઘી થઈ રહી છે.
કુદરતી પરિબળો: આ વર્ષે 'સુપર અલ નીનો'ની ચેતવણી પણ આપવામાં આવી છે, જે ખેતી અને ખાદ્ય ઉત્પાદન પર નકારાત્મક અસર પાડી શકે છે, પરિણામે ખાદ્ય મોંઘવારી વધી શકે છે.
તટસ્થ વલણ (Neutral Stance) જળવાઈ રહેશે
જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ મોંઘવારી ડામવા વ્યાજદરમાં વધારો કર્યો છે, ત્યારે ભારત હાલમાં વ્યાજદરોને 5.25 ટકા પર સ્થિર રાખી શકે છે. ICRA ના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરના જણાવ્યા અનુસાર, RBI આગામી સમયમાં ડેટા અને વૈશ્વિક સ્થિતિનું યોગ્ય આકલન કર્યા પછી જ કોઈ નક્કર પગલું ભરશે. હાલના તબક્કે, રિઝર્વ બેંક મોંઘવારીને 4 ટકાના લક્ષ્યની આસપાસ રાખવા માટે 'ન્યુટ્રલ સ્ટેન્સ' જાળવી રાખે તેવી પૂરી સંભાવના છે.
વ્યાજદરમાં છેલ્લો ફેરફાર ક્યારે થયો હતો?
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફેબ્રુઆરી 2025 થી અત્યાર સુધીમાં વ્યાજદરમાં કુલ 125 બેસિસ પોઈન્ટ્સ (1.25%) નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં છેલ્લી વાર કાપ ગયા ડિસેમ્બર મહિનામાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ, મોટાભાગના આર્થિક વિશ્લેષકોનું માનવું હતું કે હવે લાંબા સમય સુધી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અગાઉના અંદાજ મુજબ, કેન્દ્રીય બેંક વર્ષ 2026 સુધી વ્યાજદરને 5.25% પર સ્થિર રાખશે તેવી શક્યતા હતી, જેથી અગાઉના ઘટાડાની અસરોનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય. જોકે, બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે હવે RBI આગામી બેઠકોમાં સાવચેતીભર્યું વલણ અપનાવી શકે છે.
નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓનું શું કહેવું છે?
વર્તમાન આર્થિક સ્થિતિ પર નજર રાખતા નિષ્ણાતોએ કેટલીક મુખ્ય ચિંતાઓ વ્યક્ત કરી છે:
રૂપિયાનું નબળું પડવું: આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો સતત ગગડી રહ્યો છે, જેના લીધે આયાતી ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. આ સ્થિતિ દેશમાં મોંઘવારીનું દબાણ વધારી શકે છે.
સુપર અલ નીનોની ચેતવણી: કેટલાક અર્થશાસ્ત્રીઓએ 'સુપર અલ નીનો' જેવી કુદરતી ઘટનાની આશંકા વ્યક્ત કરી છે. જો આવું થાય, તો ખેતી અને ખાદ્ય ઉત્પાદન ખોરવાઈ શકે છે, જેનાથી ખાધ્ય પદાર્થોના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
અદિતિ નાયરનો મત: ICRA ના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું છે કે, RBI હાલ તુરંત કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે નવા આર્થિક ડેટાની રાહ જોશે અને ત્યારબાદ જ નીતિગત ફેરફારો અંગે વિચારણા કરશે.