ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે MPC બેઠકના નિર્ણયોની જાહેરાત કરશે. આ 2026ની પહેલી નાણાકીય નીતિ સમીક્ષા છે, એટલે સામાન્ય માણસથી લઈને રોકાણકારો સુધી સૌ માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.

2025માં RBIએ લોન લેનારાઓને મોટી રાહત

ગયા વર્ષે એટલે કે 2025માં RBIએ લોન લેનારાઓને મોટી રાહત આપી હતી. ફેબ્રુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન રેપો રેટમાં કુલ 1.25% (125 બેસિસ પોઈન્ટ) નો ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લો દર ઘટાડો ડિસેમ્બર 2025માં 0.25%નો હતો. આ કારણે ઘણા લોકોની EMI ઘટી હતી અને બજારમાં લિક્વિડિટી વધી હતી. પરંતુ હવે પરિસ્થિતિ થોડી અલગ છે. મોટાભાગના આર્થિક નિષ્ણાતો માને છે કે આ વખતે RBI “Wait and Watch” નીતિ અપનાવી શકે છે. એટલે કે રેપો રેટમાં તરત કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

મોંધવારી અને વિકાસ દર – બંને સંતુલનમાં

નિષ્ણાતોના કહેવા અનુસાર, હાલ મોંધવારી RBIના લક્ષ્યાંકની અંદર છે અને દેશનો વિકાસ દર પણ સંતોષકારક છે. સરકાર રાજકોષીય શિસ્ત પર ધ્યાન આપી રહી છે અને બેંકિંગ સિસ્ટમમાં પહેલેથી જ પૂરતી લિક્વિડિટી ઉપલબ્ધ છે. આ બધા પરિબળોને જોતા, નિષ્ણાતોનું માનવું છે કે RBI આ બેઠકમાં રેપો રેટને 5.25% પર યથાવત રાખી શકે છે. એટલે જો તમે તરત EMI ઘટવાની આશા રાખી રહ્યા છો, તો થોડી નિરાશા થઈ શકે છે.

રિયલ એસ્ટેટ અને રોકાણકારો માટે શું અર્થ?

વ્યાજ દર સ્થિર રહેવા છતાં રોકાણનું વાતાવરણ ધીમે ધીમે સુધરી રહ્યું છે. નિષ્ણાતો જણાવે છે કે ગયા વર્ષે થયેલા દર ઘટાડાની અસર હવે દેખાઈ રહી છે. બેંકો ડિપોઝિટ પરના વ્યાજ દર ઘટાડવા લાગી છે, જેના કારણે આગળ જઈને લોન સસ્તી બની શકે છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ અને વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIFs) માટે સ્થિર વ્યાજ દરનું માહોલ લાભદાયી માનવામાં આવે છે. રોકાણકારો લાંબા ગાળાની યોજના સરળતાથી બનાવી શકે છે.

વ્યાજ દર નેહીં, લિક્વિડિટી કેમ મહત્વપૂર્ણ?

આ વખતે બજારનું ધ્યાન વ્યાજ દર કરતાં વધુ લિક્વિડિટી પર છે. અર્થ ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ IFSC LLPના મેનેજિંગ પાર્ટનર સચિન સાવરકર કહે છે કે સરકારનું ઉધાર ઊંચું છે અને વિદેશી રોકાણકારો (FPI) સતત વેચાણ કરી રહ્યા છે. આવા સંજોગોમાં RBI બજારમાં રોકડ પ્રવાહ કેવી રીતે જાળવે છે, તે વધારે મહત્વનું બની ગયું છે. જો લિક્વિડિટી સારી રહેશે, તો ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા પણ ઊભી થઈ શકે છે. આ બેઠકમાં EMI તરત ઘટશે એવી શક્યતા ઓછી છે, પરંતુ લાંબા ગાળે લોન લેનારાઓ માટે પરિસ્થિતિ હકારાત્મક રહેવાની સંભાવના છે. RBIનો ફોકસ હાલ સ્થિરતા અને વૃદ્ધિ જાળવવા પર છે.

આ પણ વાંચો : Iran : દાયકાઓ પછી ઈરાનમાં મહિલાઓને મોટરસાયકલ ચલાવવાની મંજૂરી, કાયદામાં મોટો ફેરફાર